શંકર ચૌધરીના પિતા લગધીરબાપા દેવલોક પામ્યા,10 વીઘા જમીન દાન આપી દીધેલી

PC: twitter.com

ભાજપ નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતા લગધીર ચૌધરી 102 વર્ષની જૈફ વયે દેવલોક પામ્યા છે. સેવાકીય પ્રવૃતિને વરેલા લગધીર બાપાના નિધનથી રાધનપુરના વડનગરમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. સદગતનું બેસણું 30 નવેમ્બર, ગુરુવારે સવારે 9 વાગ્યાથી તેમના વડનગર ખાતેના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતા પૂજ્ય લગધીર બાપા 102 વર્ષની વયે ફાની દુનિયા છોડી ગયા છે, પરંતુ તેઓ 102 વર્ષે પણ અડીખમ અને તંદુરસ્ત હતા. તેમનું જીવન બીજા લોકોની સેવામાં સમર્પિત રહ્યુ હતું અને તેમનું નિવાસ સ્થાન સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું. તેમના ઘરે નિયમિત સાધુ સંતો આવતા રહેતા એટલા તેઓ ધાર્મિક અને ભલા માણસ હતા.

લગધીર બાપાએ પોતાની ખેતીની 10 વીઘા જમીન વાદીઓની વસાહત માટે દાનમાં આપી દીધી હતી જેમાં આજે પણ 250થી વધારે વાદી પરિવારો વસવાટ કરે છે.

શંકર ચૌધરીના પિતાની સેવાકીય પ્રવૃતિઓની યાદી બહુ લાંબી છે. તેમણે ભૂદાન યજ્ઞના પ્રણેતા રવિશંકર મહારાજ સાથે મળીને કામ કર્યું હતું અને જ્યારે દુકાળનો સમય હતો ત્યારે તેમણે પોતાના વિસ્તારમાં બોરવેલ બનાવીને લોકો માટે પાણીની સગવડ કરી આપી હતી.

લગધીર બાપા આધ્યતમિક હતા એ વાતની સાબિતી એ છે કે તેમને સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્ણાનંદજી, પૂજ્ય સદારામ બાપા, પૂજ્ય દત્તશરણાનંજી જેવા આધ્યાત્મિક સંતો સાથે ઘનિષ્ઠ નાતો હતો.

લગધીર બાપાએ એ જમાનામાં પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે પોતાના જ ઘરમાં પ્રાથમિક શાળા બનાવી દીધી હતી. આખી જિંદગી તેમણે પોતાની શક્તિ મુજબ ગરીબોને મદદ કરી.

શંકર ચૌધરીના પિતા લગધીર બાપા માટે એવું કહેવાય છે કે તેઓ આજીવન ગૌવ્રતિ હતા. તેમનો નિયમ એવો હતો કે સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ અન્ન મોંઢામાં નાંખતા. તેમની નજીકના લોકોનું કહેવું છે કે કોઇક વખત ચોમાસાના સમયમા સૂર્યદેવના દર્શન ન થાય તો બાપા બે- ત્રણ દિવસ સુધી ભોજન આરોગતા નહોતા એટલી તેમની મક્કમ ભક્તિ હતી. પક્ષીઓને ચણ નાંખવાનો અને કિડીયારું પુરવાનો પણ તેમનો નિત્યક્રમ હતો.

લગધીર બાપાએ 26 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા અને જ્યારે તેમની અંતિમ યાત્રા નિકળી ત્યારે તેમના પુત્ર શંકર ચૌધરી, ધારાસભ્યો, સામાજિક અને સહકારી આગેવાનો, ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સદગતનું બેસણું આવતીકાલે 30 નવેમ્બરે, સવારે 9 વાગ્યે વડનગરમાં તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp