હવે કયું આંદોલન થવાનું છે, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

PC: youtube.com

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના બેરોજગાર યુવકો સરકારી ભરતીને લઈને સરકારની સામે વિરોધ કરી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે LRD, ટેટ, ટાટ, બિન સચિવાલય સહિતની ભરતી પ્રક્રિયા મામલે બેરોજગાર યુવકો સોશિયલ મીડિયામાં અલગ-અલગ પોસ્ટ મૂકીને આંદોલન કરી રહ્યા છે. આ યુવકો દ્વારા ગાંધીનગરમાં આંદોલન કરવા બાબતેની ચીમકી ઉચ્ચારવામાં આવતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયેલુ જોવા મળ્યુ હતું.

ગાંધીનગરમાં ફરીથી આંદોલનના મંડાણ ન થાય તે માટે ઠેર-ઠેર પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત છે કે, અનામત વર્ગની મહિલાઓએ સરકાર સામે LRD ભરતીમાં અન્યાય થયો હોવા બાબતે આંદોલન શરૂ કર્યું હતું. આ મહિલાઓના આંદોલનને રોકવા સરકારે મહિલાઓની બેઠકો વધારી હતી પરંતુ ત્યારબાદ મહિલાઓની બેઠકની સંખ્યા વધતા LRDના પુરુષ ઉમેદવારો સરકાર સામે આંદોલન પર ઊતરી આવ્યા હતા. પુરુષ ઉમેદવારો એ બંધારણ મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમનો આક્ષેપ હતો કે, સરકારે મહિલાઓની સીટમાં વધારો કરતાં બંધારણ મુજબ ભરતીમાં મહિલા અને પુરુષનો રેશીયો જળવાતો નથી. જેથી LRD પુરુષ ઉમેદવારો પણ આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના જે યુવાનોએ ટેટ અને ટાટ પાસ કર્યાના 5 વર્ષ થઇ ગયા હોવા છતાં તેમની ભરતી નહીં કરવામા આવતા હવે ટેટ અને ટાટના ઉમેદવારો પણ સરકારની સામે આકરું વલણ અપનાવી રહ્યા છે.

તો બીજી તરફ કોર્ટના આદેશ બાદ સરકારે એક 1/8/2018નો ઠરાવ રદ્દ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 8,000 નિમણૂક પત્ર તાત્કાલિક અસરથી આપવામાં આવશે અને 20,000 જેટલી ભરતીઓ 5 મહિનામાં યોજવામાં આવશે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. સરકારના આ દાવા વચ્ચે ગાંધીનગર પહોંચેલા LRD પુરુષ ઉમેદવારો ગાંધીનગરમાં કોઈ કાર્યક્રમ કરે તે પહેલા જ પોલીસે 150 ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી અને તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકાર સામે અવાર નવાર આંદોલનના મંડાણ થઈ રહ્યા છે. વાલીઓ ફી માફીને લઈને આંદોલન કરી રહ્યા છે. તો બેરોજગારો અલગ-અલગ સરકારી વિભાગોમાં ભરતીની પ્રક્રિયા કરવા માટે આંદોલન કરી રહ્યા છે. યુવાનોના આંદોલનનો લાંબા સમયથી ચાલતા હોવા છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં સરકારની કામગીરી પણ સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp