100 નવા ચહેરાને ટિકિટના પાટીલના નિવેદન બાદ આ ધારાસભ્યએ કહ્યુ- આ મારી છેલ્લી ટર્મ

PC: freepressjournal.com

આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ તરફથી 100થી વધારે નવા ચહેરાને ટિકિટ આપવાના સંકેત સ્પષ્ટ થયા છે. જેના કારણે વડોદરા ભાજપ મોરચે ભૂકંપ થયો છે. નવા ચહેરાને તક મળવાની સ્થિતિને લઈને ટિકિટ માટે ઘણા સમયથી રાહ જોઈ રહેલા કાર્યકર્તાઓમાં દિવાળી જેવો આનંદ છે. જ્યારે કેટલાક નેતાઓ હજું સત્તા પર ટકી રહેવા માટે ધમપછાડા કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપના 112 ધારાસભ્ય છે. બાકીની બેઠકો પર નવા ચહેરા કે અનુભવી વ્યક્તિની પસંદગી કરવી પડે એ નક્કી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે સોમવારે હિંમતનગરમાંથી પેજ પ્રમુખ સંમેલનમાં એવી જાહેરાત કરી હતી કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ નવા ધારાસભ્યો રહેશે. તાજેતરમાં નવી નિમાયેલી સરકારમાં એક પણ ચહેરો રીપિટ નથી. નો રીપિટ થિયરીનું પાલન થયું છે. આ જ પ્રમાણે જો ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિ અપનાવે એવી શક્યતા જણાઈ રહી છે. જેમાં સીધો ફટકો છેલ્લી ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા જોગીને ઘરભેગા કરવા તથા 65 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને નો રીપિટ થિયરીમાં આવરી લેવા યોજના ઘડાય એવી પૂરી સંભાવના છે. આ સંજોગોમાં પાંચ ટર્મ રાવપુરા તથા બે ટર્મથી માંજલપુર વિધાનસભા બેઠક વિધાનસભા બેઠકનું વિધાનસભામાં નેતૃત્વ કરતા પૂર્વ મંત્રી યોગેશ પટેલ, સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ચાર ટર્મના ધારાસભ્ય જિતુ સુખડિયા અને વાઘોડિયાના આખાબોલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પક્ષ ગુડ બાય કહી દેવી પૂરી શકયતા છે.

માંજલપુરમાંથી પાટીદાર ચહેરો, સયાજીગંજમાં વૈષ્ણવ અથવા મરાઠી ચહેરો તો વાઘોડિયામાંથી કોઈ મજબુત વ્યક્તિની પસંગી કરવામાં આવી એવી પૂરી શક્યતાઓ છે. ચર્ચા એવી છે કે, અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે. જેના આધારે ઉમેદવાર નક્કી થશે. આ અંગે યોગેશ પટેલે કહ્યું કે, આગામી વિઘાનસભા ચૂંટણીમાં ટિકિટ મળશે કે કેમ તે અંગે મારે કશું કહેવું નથી અને પાર્ટી જે નક્કી કરશે તે કરીશું.

જ્યારે દબંગ છાપ ધરાવતા અને આખાબોલા ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવે કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં હું ઉમેદવાર છું. ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરો તે નક્કી છે. જે સો નવા ચહેરાની વાત ભાજપની છે તેમાં મારી વાત નથી. જ્યારે કેતન ઈનામદારે કહ્યું કે, ભાજપ પક્ષ તરફથી જે નિર્ણય લેવાશે એ અમને માન્ય રહેશે. ટિકિટ મને આપવી કે નહીં એ નિર્ણય પક્ષ કરશે. જ્યારે જીતેન્દ્ર સુખડિયાએ કહ્યું કે, આ મારી છેલ્લી ટર્મ છે. હવે પરિવાર સાથે સમય કાઢવો છે. હવે હું નહીં લડું. પક્ષ જેને પણ ટિકિટ આપશે એનું સમર્થન કરીશ અને તેને જીતાડવા માટે પ્રયત્નો કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp