કેનેડામાં લવ મેરેજ, ગુજરાતમાં ધિંગાણુ, યુવકના ઘરે ટોળાંએ તોડફોડ, યુવતીએ કહ્યું..

PC: gujarattak.in

અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એકબીજા સાથે પ્રેમ કરતા છોકરા-છોકરીએ કેનેડામાં લવ-મેરેજ કરી લીધા, પરંતુ આ પ્રેમવિવાહ વિશે જાણ થઇ ત્યારે ગુજરાતમાં ધિંગાણું થયું. પ્રેમલગ્નને કારણે ભારે હંગામો અને હોબાળો મચી ગયો.

પ્રેમ અને પછી સાત સમંદર પાર લવ મેરેજનો આ આખો મામલો મહેસાણા જિલ્લાનો છે. યુવકના પિતાએ 15 લોકોની સામે ઘરમાં ઘુસીને મારપીટ અને તોડફોડનો કેસ નોંધાવ્યો છે. તો બીજી તરફ યુવતીએ એક વીડિયો જારી કરીને પોતાના પરિવારને વિનંતી કરીને કહ્યું છે કે, તેણે પોતાની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે  એટલે મારા સાસરિયાના લોકોને મહેરબાની કરીને હેરાન કરવામાં ન આવે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા બિલિયા ગામમાં રહેતા પંકજ પટેલનો પુત્ર પ્રિન્સ 3 મહિના પહેલા કેનેડા ભણવા માટે ગયો હતો. કેનેડામાં પ્રિન્સની મુલાકાત મહેસાણાના નજીકના જ ગામની એક યુવતી સાથે થઇ હતી. એ પછી બંને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો અને બંનેએ મરજીથી લગ્ન કરી લીધા. યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો.

એવામાં યુવતીના પરિવારના લોકો પ્રિન્સના મહેસાણાના ઘરે ગયા હતા અને પ્રિન્સના પિતાને ધમકી આપી હતી અને લગ્નનો વિરોધ કર્યો હતો. પ્રિન્સના પિતા પંકજ પટેલે આ વિશે પોલીસમાં ફરિયાદ કરી દીઘી હતી. પોલીસમાં ફરિયાદ કરવાને કારણે યુવતીના પરિવારજનો ગુસ્સો ભરાયા હતા અને  ફરી પંકજ પટેલના ઘરે જઇને લાઠી, ડંડા લઇને મારપીટ કરી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી.

આ બબાલ એટલી મોટી થઇ ગઇ કે ગામના લોકો ભેગા પણ એકઠાં થઇ ગયા હતા. યુવતીના પરિવારે આરોપ લગાવ્યો કે પંકજ પટેલના પુત્રએ અમારી દીકરીને કેનેડામાં મારી નાંખી છે. યુવતીના પરિવારજનોએ પંકજ પટેલના ઘરના ફર્નિચરને પણ તોડીફોડી નાંખ્યુ હતું. ઘરની બહાર રાખેલા ટ્રેકટરને પણ નુકશાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, વિજળીના મીટરમાંથી તાર પણ કાઢી લીધા હતા. ગામના લોકો વચ્ચે પડ્યા અને મામાલો શાંત પડ્યો હતો. આરોપ છે કે, અંતે જતી વખતે યુવતીના પરિવારજનોએ પંકજભાઈ અને તેની પત્ની ભાવનાબેનને ધમકી આપી હતી કે, આજે તને બચાવી લેવામાં આવ્યા છે, જો પાછા મળશો તો જાનથી મારી નાખીશું.

પ્રિન્સના પિતા પંકજ પટેલે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં તેણે વિજાપુરમાં જ આવતા ગાવડા ગામની રહેવાસી યુવતીના પરિવારજનો ઉપરાંત કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસ સ્ટેશનના પીઆઈ જી એ સોલંકીના જણાવ્યા અનુસાર યુવતી કેનેડામાં સુરક્ષિત છે. તેની હત્યાનો આરોપ ખોટો છે. આ કેસમાં મારપીટ કરનારાઓની જલ્દી ધરપકડ કરવામાં આવશે. યુવક અને યુવતીએ એક વીડિયો જારી કરીને કહ્યું છે કે મરજી લગ્ન કર્યા છે અને બધું બરાબર છે, યુવતીએ કહ્યું છે કે મારા સસરા અને સાસરિયાના લોકોને પરેશાન કરવામાં ન આવે.

જાણવા મળેલી માહિતી મુજબ પ્રિન્સ અને યુવતી બંનેને ઘણા સમયથી એકબીજાને જાણતા હતા. યુવતી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગઇ હતી તે પછી પ્રિન્સ કેનેડા ગયો હતો અને ત્યાં જઇને બંનેએ લગ્ન કરી લીધા હતા. આ સબંધથી યુવતીના પરિવારજનો પહેલેથી નારાજ હતા, કારણકે બંનેના સમાજ અલગ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp