ગુજરાત: રાજવી પરિવારના બેસણામાં લગ્ન જેવો ઠાઠ, 100 ગાયોનું દાન, 5000 લોકોને...

PC: twitter.com

કોઇ પણ વ્યકિતનું નિધન થયું હોય તો એવી પરંપરા એવી છે કે સ્વર્ગસ્થ વ્યકિતનું બેસણું રાખવામાં આવે અને પરિવારના લોકો ગંભીર ચહેરા રાખીને સ્વજનોને નમન કરે. એક રીતે સાવ સાદગીમાં બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવે. પરંતુ ગુજરાતના સાબરકાંઠામાં આવેલા ઇડર તાલુકાના ભવાનગઢ ગામે સંતાનોએ પિતાના બેસણામાં લગ્ન જેવો ઠાઠ રાખ્યો હતો. જાણે લગ્નનું રિસેપ્શન રાખ્યુ હોય તેમ એન્ટ્રી ગેટ પર સ્વર્ગસ્થ પિતાની તસ્વીરો,રંગબેરંગી મંડપ અને મહેમાનો માટે મિષ્ટાન સહિતનું ભોજન રાખવામાં આવ્યું અને 100 ગાયોનું દાન તથા 5,000 લોકોને મફતમાં અયોધ્યા યાત્રા લઇ જવાની જાહેરાત કરવામાં આવી.

જાણવા મળેલી વિગત મુજબ ભવાનગઢના રાજવી પરિવારના મોભી પ્રવીણસિંહ કુંપાવતનું 70 વર્ષની વયે ઓસ્ટ્રેલિયામાં 18 ડિસેમ્બરના દિવસે અવસાન થયું હતું. પ્રવીણસિંહના પરિવારે જ્યારે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કર્યું ત્યારે નજારો જોઇને લોકો ચોંકી ગયા હતા. કોઇ ભવ્ય લગ્ન સમારંભમાં આવી ગયા હોય તેવો ઠાઠ રાખવામાં આવ્યો હતો.

રાજવી પરિવારા આનું કારણ જણાવતા કહ્યું હતું કે, પ્રવીણસિંહએ આખી જિંદગી હસતા-રમતા અને આનંદમાં વિતાવી હતી. તેમના ચહેરા પર ક્યારેય દુખ કે ગમગીની જોવા મળ્યા નહોતા. તો તેમની વિદાય પણ ભવ્ય જ હોવી જોઇએ એવું અમારું માનવું છે. તેમણે કહ્યું કે જે રીતે ભવ્યતાથી જીવ્યા તેવી જ ભવ્યતા સાથે તેમની શ્રધ્ધાંજલી રાખવામાં આવી.

પ્રવીણસિંહ કુંપાવત પોતે ફોટોગ્રાફીના શોખિન હતા. એટલે અમે તેમણે ખેંચેલી તસ્વીરોનું ખાસ પ્રદર્શન રાખ્યું હતું. રાજવી પરિવારના મોભા પ્રવીણસિંહના બાળપણથી માડંની અત્યાર સુધીની તસ્વીરો શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં રાખવામાં આવી હતી.

ઉપરાંત ઇડરના આ રાજવી પરિવારે મહત્ત્વની જાહેરાત કરી હતી કે 5 હજાર વૃદ્ધોને અયોધ્યાની યાત્રા કરાવશે અને 100 ગાયોનું દાન કરશે.

દિવગંત પ્રવીણસિંહના પુત્ર સત્યજિત કુંપાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારા પિતા હમેંશા આનંદમાં જ રહેતા હતા એટલે તેમની શ્રધ્ધાંજલી અમે ભવ્ય રાખી. ઉપરાંત અમારા પરિવાર દ્વારા બે નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે 5,000 વૃદ્ધોને અયોધ્યાની યાત્રા કરાવીશું. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પતી જાય, પછી સમયાંતરે અમે અમારા સમાજના અને ઇડરના જે 65થી 70 વર્ષની વયના વૃદ્ધો છે તેમને અયોધ્યાની યાત્રા કરાવીશું. તમામ 5,000 લોકોનો આવવા-જવાનો સહિત તમામ ખર્ચ અમારો પરિવાર ઉઠાવશે એમ સત્યજિત સિંહે કહ્યુ હતું.

અમારા પરિવારે એ પણ નિર્ણય કર્યો છે કે હિંદું સંસ્કૃતિમાં ગૌદાનનું ખાસ્સું મહત્ત્વ છે એટલે અમારો પરિવાર જરૂરિયાત મંદ લોકોને 100 ગાયનું દાન પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp