26th January selfie contest

તપાસ થાય તો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાથી અધિકારીને રજા પર ઉતારી દીધા

PC: Khabarchhe.com

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને TDO બી. ડી. સોલંકી અચાનક રજા ઉપર ઊતરી ગયા હતા. જે અંગે khabarchhe.com દ્વારા પર્દાફાશ કરાયો હતો. હવે તેમાં એવી વિગતો બહાર આવી છે કે, TDOએ રજા મૂકતી વખતે એવું કારણ આપ્યું છે કે તેના જીવનું જોખમ છે, તેથી રજા પર ઊતરે છે. પરંતુ તે સાચું કારણ નથી. ખરેખર તો ભ્રષ્ટાચાર થયો હોવાથી તેઓ તપાસ કરવા માગતા ન હોવાથી રજા પર ઊતરી ગયા હતા. વાવના ભ્રષ્ટાચારની તપાસની માગણી પ્રમુખે કરી હતી. એ તપાસ કરવા માટે ખાતરી અને માહિતી આપી હતી. ત્યારબાદ તેઓ અચાનક રજા પર ઊતરી ગયા છે અને જીવનું જોખમ હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે તેમના પર ગાંધીનગરથી એક પૂર્વ મંત્રી અને મંત્રીએ કોઈ પણ હિસાબે આ તપાસ ન થવી જોઈએ એવું દબાણ કર્યું છે. તેથી તેઓ રજા પર ઊતરી ગયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. 11 સપ્ટેમ્બરથી કપાત પગારથી તેઓ રજા પર ઊતરી ગયા છે અને તાલુકા પંચાયતના TDO ઇનચાર્જ TDOને સોંપવામાં આવ્યો છે. પરંતુ આ વાવ તાલુકાના TDOને કોનો ભય છે, એ હજુ સુધી જાહેર કરાયું નથી કે માટે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી નથી અને પોલીસની મદદ પણ લેવામાં આવી નથી. તેથી એવી શંકા ઊભી થાય છે કે આ વાવ TDO દ્વારા જે કંઈ કારણો આપવામાં આવ્યા છે એ રાજકીય કારણો છે. અહીંથી તપાસ ન થાય એ માટે દબાણ ઊભું કરવામાં આવ્યું છે. તેમણે તાત્કાલિક ધોરણે રજા પર ઉતારી દેવાયા છે.

મૂળ કારણ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માગણી સાથે રજા ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખએ આ રજૂઆત પોતાના જ પ્રમુખ સામે કરી હતી. તેમ છતાં બે મહિનાથી કોઈ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચીમકી આપી હતી. વિકાસ અધિકારીએ તાત્કાલિક DDOને તપાસ કરવા બાહેંધરી આપતા ઉપવાસ રદ કર્યા હતા. કૌભાંડોની બે મહિના પહેલાં યાદી આપી હતી. એ પ્રમાણે તપાસ કરવા તંત્ર કામે લાગી ગયું છે. આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર પ્રદેશ ભાજપે લેવી પડી છે અને પણ થયું છે એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. 10 ગામમાં એલઈડી લાઈટ નાખવા માટે કૌભાંડ થયું છે. સમગ્ર તાલુકામાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. 2017-18મા બનાવેલા મકાનો માત્ર કાગળ પર છે. સાચા લાભાર્થીઓને લાભ મળતો નથી.

કાનજીભાઈ શું કહે છે?

તાલુકા પ્રમુખ કાનજીભાઈ રાજપૂત કહે છે કે, હું પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યો છું. ભલે મારી ખુરશી જતી હોય પણ પ્રજાના નાણાં તો હું વેડફાવા નહીં દઉં. આ ભ્રષ્ટાચાર માટે અમારી ભાજપની સરકાર પોતે જવાબદાર છે. કારણ કે કર્મચારીઓની જે ભરતી કરવામાં આવે છે તે 11 મહિનાના કરાર પર લેવામાં આવે છે. તેઓ 11 મહિનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ચાચાર કરીને જતાં રહે છે. મેં મારા પક્ષને આ બધી વિગતો કહી છે પણ આ તો ગુજરાત મોડેલ છે. આવું હોય ગુજરાત મોડેલ? મેં લેખિતમાં આપેલું છે. બધા અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરે છે. 11 મહિનાની નોકરી આપીને તેમને કરોડો રૂપિયાનો વહિવટ આપવામાં આવે છે. પછી તેઓ ભ્રષ્ટાચાર ન કરે તો શું કરે? સરકાર કાયમી અધિકારીઓની ભરતી કરતી નથી. તેથી કરોડોનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સરકારની નીતિ કેવી છે તે ખબર પડતી નથી. હું ભાજપમાં છું અને સ્પષ્ટ રીતે કહી દઉં છું. નેતાઓએ વાતો સારી કરવાની અને આ લોકો ભ્રષ્ટાચાર કરી જાય છે. વાવમાં મર્યાદા બહાર ભ્રષ્ટાચાર થયો છે. TDO પોતે હાજર રહેતાં નથી. બે દિવસથી તેમનો મોબાઈ સ્વિચ ઓફ કરી દીધો છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ રીતે વર્તતા હોય તો તે સામાન્ય પ્રજા સાથે કઈ રીતે વર્તતા હશે. રજા પર ઊતરી ગયા છે અને કચેરીને જાણ પણ કરી નથી. શું કરીએ અમે? જુઓ આ ગુજરાતનું વિકાસ મોડેલ. હું તો પ્રમુખ છું. મારા માટે ખુરશી મોટી નથી. આવું તો ન જ ચાલે. કોઈ અવાજ અમારો ન સાંભળે તો પછી અમારે શું કરવું. ખુરશી પર ચીપકી રહેનારો હું નથી. અમે સત્તા માટેના માણસો નથી. ભાજપનો છું પણ હું તો લડીશ. ખુરશી લઈ લેવી હોય તો ભલે લઈ લે. જેને જરૂર હોય તેને ભલે હોય મારે જરૂર નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp