PM મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે: મંત્રી કુંવરજી હળપતિ
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી માંડવી તાલુકાના દેવગઢ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે તેમણે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, સરકાર દ્વારા આદિવાસી દીકરા-દીકરીઓને વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન સહાય, ડૉકટર બનવા માટે નાણાકીય સહાય, પાયલોટ બને માટે 24 લાખની લોન સહાય 4 ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજનાથી અંબાજીથી લઈ ઉમરગામ સુધી તમામ લોકોને રોડ, રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓ આપી છે. આજે યુરિયા છંટકાવ માટે ડ્રોન યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આઈ.ટી.આઈ.માં યુવાઓને તાલીમ અપાશે. સુરત જિલ્લામાં સિકલસેલ એનીમિયાના દર્દીઓને સારવાર માટે રૂ.40 હજારની સહાય આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરી તેમણે છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આદિજાતિ વિસ્તારના લોકોને યોજનાકીય લાભો ઘરઆંગણે મળે એવો પણ આગવો હેતુ છે. ગામડાઓ-આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસની નેમ સાથે 22 જેટલી આદિજાતિ યોજનાઓના લાભો આપવાની ઝુંબેશ છેડવામાં આવી છે. વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે સજ્જ બની યોગદાન આપવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp