5 વખત સાંસદ રહેલા BJPના આ પાટીદાર નેતાની PM મોદીએ અચાનક મુલાકાત કેમ કરી?

PC: .facebook.com/profile.php?id=61552580608159

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમા ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા અને તેમણે આ દિવસોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી, પરંતુ આ વખતે તેમણે ગુજરાતના પહેલા અને 5 વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના પાયાના પથ્થર ડો. એ. કે. પટેલ સાથે મુલાકાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. PMમોદીએ આ મુલાકાત કરીને અનેક મેસેજ આપી દીધા હોવાનું જાણકારોનું કહેવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત અંબાજીથી કરી હતી અને પછી કેવડિયામાં પ્રવાસ સમાપ્ત કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેમણે તેમના સમયની દરેક મિનિટનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે ભાજપના પ્રથમ બે સાંસદોમાંના એક ડૉ.એ.કે.પટેલને મળ્યા હતા.

સીમા મોહીલે

પીએમ મોદી એ પહેલા જ્યારે વડોદરા પહોંચ્યા હતા ત્યારે તેમણે સાંસ્કૃતિક શહેર સાથેના તેમના જૂના જોડાણનો ઉલ્લેખ કરીને શહેરના 10 સ્થળો અને અહીંની સ્વાદિષ્ટ વાનગીઓનો ઉલ્લેખ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. જ્યારે PM મોદીએ પ્રવાસ દરમિયાન ડો. એકે પટેલ સાથે ખાસ વાત કરી હતી, ત્યારે તેમણે વડોદરાથી દિલ્હી જતા પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે સાથે પણ મુલાકાત કરી હતી. પીએમની આ બે બેઠકો ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચામાં છે.

પીએમ મોદી પૂર્વ ભાજપ સાંસદને મળ્યા અને પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરી. જેમાં તેમણેલખ્યું હતુ કે, તેઓ ગાંધીનગરમાં ડૉ.એ.કે.પટેલને મળ્યા હતા. ભાજપને મજબૂત કરવામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. 1984માં જ્યારે અમારી પાર્ટીના માત્ર બે સાંસદ હતા. તેઓ તેમાંના એક હતા. ત્યારથી અમારા કાર્યકરો પક્ષને નવી ઉંચાઈએ લઈ ગયા છે અને અન્યોની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે.

1984માં મહેસાણા લોકસભામાંથી જીતીને લોકસભામાં પહોંચેલા પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલ સાથે PMની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે જૂની પેઢીના નેતાઓનું મનોબળ અને ઉત્સાહ પણ વધ્યો છે. જે નરેન્દ્રભાઈ ભૂલ્યા નથી.

રાજકારણના જાણકાર વિશ્લેષકોનું કહેવું છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોતાની સ્ટાઇલ છે કે પાર્ટી માટે પોતાની જાત ઘસી નાંખનાર અને મજબુતાઇથી કામ કરનારા લોકોને મળે છે. આ મુલાકાતમાં અનેક મેસેજ છુપાયેલા છે કે ભલે પાર્ટી સ્વર્ણિમ યુગમાં છે, પરંતુ પોતાના જૂના જોગીઓને ભૂલતી નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે મહેસાણાથી આવે છે એટલે સ્વાભાવિક રીતે તેમણે ડો. એ. કે. પટેલની કામગીરી જોઇ હશે. અને તેના વ્યક્તિત્વની અસર પણ જાણી હશે. આવી સ્થિતિમાં, મીડિયા સાથે તેમની મુલાકાત અણધારી હોઈ શકે છે પરંતુ પીએમ મોદી માટે આ સામાન્ય વાત છે.

જ્યારે PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2012ની આજુબાજુ તેમણે પાર્ટીના જૂના લોકોને મળવા માટેનો એક આખો કાર્યક્રમ ગોઠવ્યો હતો.

હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના જૂના નેતા ડો. એ. કે પટેલને મળ્યા ત્યારે સ્વાભાવિક રીતે તમને એ જાણવામાં રસ હશે કે ડો. એ. કે પટેલ કોણ છે?

ભાજપના પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલ જનસંઘના સમયથી સક્રિય છે. તેઓ 1975 થી 1984 દરમિયાન ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગુજરાતમાં ભારતીય જનસંઘના પ્રમુખ હતા. બાદમાં જ્યારે ભાજપનો પાયો નાખવામાં આવ્યો ત્યારે તેઓ બે વર્ષ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. આ પછી તેઓ મહેસાણાથી આઠમી લોકસભામાં ચૂંટાયા. આ પછી તેઓ સતત 9મી, 10મી, 11મી અને 12મી લોકસભામાં ચૂંટાયા હતા.

કેન્દ્રમાં જ્યારે અટલ બિહારી વાજપેયી 1998માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે ડો. એ. કે. પટેલને કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝરના રાજ્યકક્ષાના મંત્રી બનવાની તક મળી હતી. લોકસભા પછી ડો. પટેલ રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

તેમણે 2000 થી 2006 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહેસાણા જિલ્લાના વડુ ગામમાં 1 જુલાઈ, 1931ના રોજ જન્મેલા પટેલ માત્ર તેમના વિસ્તારમાં ડૉક્ટર તરીકે જ લોકપ્રિય બન્યા ન હતા પરંતુ પાટીદાર સમાજમાં પણ તેમની ખૂબ જ પ્રતિષ્ઠા હતી. જેનો ભાજપને ઘણો ફાયદો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp