ટૂથબ્રશની જેમ હવે બદલી શકાશે ગાડીના ટાયર, આ રીતે ખબર પડશે ટાયર બદલવાનો સમય

PC: aajtak.in

આપણે સૌ જાણીએ છે કે, ખરાબ ટાયરો સાથે ગાડી ચલાવવી પોતાની સુરક્ષા સાથે રમત કરવા જેવું છે, પરંતુ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે ગાડીના ટાયર ક્યારે બદલવા જોઈએ. ત્યારે આ સમસ્યાનો ઉકેલ એક ટાયર કંપની દ્વારા લાવવામાં આવ્યો છે. ત્યારે શું છે આ ઉપાય અને કઈ ગાડીઓમાં લગાવી શકાય છે આ ટાયર તેના વિશે અમે તમને અહીં જણાવીશું.

ગાડીની સેફટી માટે તેના ટાયર સારા હોવા ખૂબ જ જરૂરી હોય છે. આ માટે તેને યોગ્ય સમયે બદલવા પણ પડે છે. પરંતુ આ ટાયરોને ક્યારે બદલવા જોઈએ તે જાણવું ઘણા લોકો માટે સરળ કામ નથી. એવામાં ખરાબ ટાયરની સાથે ગાડી ચલાવવું ખતરનાક સાબિત થઈ શકે છે, ત્યારે લોકોની આ સમસ્યા પર એક ટાયર કંપનીએ જે રીતે ટૂથબ્રશ બદલીએ છે તે રીતે ટાયર બદલવાના સોલ્યુશનની શોધ કરી છે, ત્યારે જાણો કઈ રીતે કામ કરે છે આ ઉપાય.

ટૂથબ્રશની જેમ આ રીતે બદલી શકાશે ગાડીના ટાયર

માર્કેટમાં ઘણા એવા ટૂથબ્રશ આવે છે કે, જેમાં વચ્ચે સામાન્ય રંગથી અલગ રંગની પીંછીઓ આપવામાં આવે છે. જ્યારે આ અલગ રંગવારી પીંછીઓનો રંગ ઝાંખો પડવા લાગે છે, ત્યારે ટૂથબ્રશ બદલવાની સલાહ આપવામાં આવે છે. આજ ઉપાયને થોડો ટ્વિસ્ટ કરીને ટાયર બનાવનારી કંપની Ceat દ્વારા ટાયર બદલવાના સાચા સમયની શોધ કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે.

ટાયર ઘસાતાની સાથે જ દેખાવા લાગશે પીળી પટ્ટી

કંપનીએ હાલમાં એવા ટાયર લોન્ચ કર્યા છે કે, જેમાં ટાયરની વચ્ચેના ભાગમાં એક અલગ રંગની પટ્ટી આપવામાં આવી છે. પરંતુ આમાં અલગ વાત એ છે કે જ્યારે તમે નવું ટાયર લેશો ત્યારે આ અલગ રંગની પટ્ટી તમને બિલકુલ પણ દેખાશે નહીં. પરંતુ જેમ-જેમ તમારી ગાડીના ટાયરનો ઉપયોગ થતો જશે તેમ આ પટ્ટી દેખાવા લાગશે અને જ્યારે આ પીળી પટ્ટી પૂરે-પૂરી દેખાવા લાગશે, ત્યારબાદ ગ્રાહકને ખબર પડી જશે કે તેઓની ગાડીનું ટાયર ઘસાઈ ગયું છે. આમ આ પીળા રંગની પટ્ટી જોઇને ગ્રાહકને ટાયર બદલવાનો ખ્યાલ આવી જશે.

આ ગાડીઓમાં લગાવી શકાશે આ ટાયર

હાલમાં આ કંપનીએ આ ટાયરોને બે સાઈઝમાં લોન્ચ કર્યા છે. આ ટાયરો હાલમાં 15 ઇંચ ટોયોટા ઇનોવા(Toyota Innova) અને 16 ઇંચ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા(Toyota Innova Crysta)માટે લોન્ચ કરવામાં આવ્યા છે. શક્યતા છે કે આ કંપની આવનારા દિવસોમાં અન્ય ગાડીઓ માટે પણ આ પ્રકારના ટાયર લોન્ચ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp