આ રેલવે સ્ટેશન પર ટિકિટ મહારાષ્ટ્રમાં મળે છે જ્યારે ટ્રેન ગુજરાતમાં ઊભી રહે છે

PC: twimg.com

ભારતીય રેલવે સાથે સંકળાયેલું એક રસપ્રદ તથ્ય છે, જેના વિશે ઘણા ઓછાં લોકો જાણે છે. આ સ્ટોરી એક એવા રેલવે સ્ટેશનની છે, જેને ભારતનું સૌથી અનોખુ રેલવે સ્ટેશન માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, તેનો અડધો હિસ્સો ગુજરાતમાં આવેલો છે તો અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં છે. તો ચાલો જાણીએ આ બે રાજ્યોમાં વહેંચાયેલા આ સ્ટેશન વિશે કેટલીક ખાસ વાતો, જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

આ સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાને એક સાથે ટચ કરનારું એકમાત્ર રેલવે સ્ટેશન છે. સ્ટેશન પર એક બેન્ચ એવી પણ છે, જેનો અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં તો અડધો હિસ્સો ગુજરાતમાં છે. આ બેન્ચ પર બેસનારા લોકોએ એ ધ્યાન રાખવાનું હોય છે કે, તે કયા રાજ્યમાં બેઠા છે.

આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે, અહીં ટિકિટ બારી મહારાષ્ટ્રમાં આવેલી છે, જ્યારે સ્ટેશન માસ્ટર ગુજરાતમાં બેસે છે. એટલું જ નહીં, આ સ્ટેશન પર ચાર અલગ-અલગ ભાષાઓ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં અનાઉન્સમેન્ટ થાય છે, જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાંથી આવતા યાત્રીઓ તેને સમજી શકે. આ ઉપરાંત, અહીં સૂચનાઓ પણ ચાર ભાષાઓમાં લખવામાં આવે છે.

ટિકિટ બારી ઉપરાંત, રેલવે પોલીસ સ્ટેશન અને કેટરિંગ મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લાના નવાપુરમાં આવેલું છે, જ્યારે વેઈટિંગ રૂમથી લઈને પાણીની ટાંકી અને શૌચાલય ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલમાં આવેલું છે.

બે રાજ્યોમાં વહેંચાયેલા હોવાના કારણે નવાપુર રેલવે સ્ટેશન પર અડધો કાયદો ગુજરાતનો તો અડધો મહારાષ્ટ્રનો ચાલે છે. જેમ કે, ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, તો મહારાષ્ટ્રમાં પાન મસાલા અને ગુટકા પર એવામાં જો કોઈ વ્યક્તિ ગુજરાતવાળા હિસ્સામાં ગુટખા વેચે તો વાંધો નથી, પરંતુ જો તે ભૂલથી મહારાષ્ટ્રની સીમામાં ચાલ્યો જાય તો તે ગુનેગાર બની જાય છે.

નવાપુર રેલવે સ્ટેશનની કુલ લંબાઈ 800 મીટર છે. તેનો 300 મીટરનો હિસ્સો મહારાષ્ટ્રમાં અને 500 મીટરનો હિસ્સો ગુજરાતમાં પડે છે. અહીંની સૌથી રસપ્રદ વાત એ છે કે, સ્ટેશન પર આવનારી ગાડીઓનો એક હિસ્સો ગુજરાતમાં તો બીજો હિસ્સો મહારાષ્ટ્રમાં હોય છે.

નવાપુર રેલવે સ્ટેશનના બે રાજ્યોમાં વહેંચાયેલા હોવા પાછળ એક સ્ટોરી છે. જ્યારે આ સ્ટેશન બન્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગલા નહોતા પડ્યા. તે સમયે નવાપુર સ્ટેશન સંયુક્ત મુંબઈ પ્રાંતમાં પડતો હતો, પરંતુ 1 મે, 1961ના રોજ જ્યારે મુંબઈ પ્રાંતની વહેંચણી થઈ તો તે બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં વહેંચાઈ ગયું. આ ભાગલામાં નવાપુર સ્ટેશન બે રાજ્યોની વચ્ચે આવી ગયું અને ત્યારથી તેની એક અલગ ઓળખ છે.

જોકે, નવાપુર કોઈ પહેલું રેલવે સ્ટેશન નથી, જે બે રાજ્યોની સરહદ સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, ભવાની મંડી દેશનું એવું બીજી રેલવે સ્ટેશન છે, જે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બે રાજ્યોની સીમામાં વહેંચાયેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp