હવામાનની સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલ વિશે જાણો

PC: abplive.com

(રાજેશ શાહ) આધુનિક સાધનો વગર માત્ર અનુભવને આધારે વરસાદની સચોટ આગાહી માટે આજે ગુજરાતભરમાં અંબાલાલ પટેલનું નામ જાણીતું બન્યું છે. ટી વી ચેનલો અને અખબારો પણ તેમની આગાહીને પ્રગટ કરે છે. અંબાલાલ પટેલનું નામ દરેક જીભે જાણીતું બન્યું છે ત્યારે અમે એ જાણવાની કોશિશ કરી કે આ અંબાલાલ પટેલ છે કોણ? Khabarchhe.Comએ તેમનો Exclusive ઇન્ટરવ્યૂ કર્યો છે.

અંબાલાલ પટેલ આજે 78 વર્ષના છે છતા હજુ હવામાનનો વર્તારો આપતા રહે છે. તેમનો જન્મ 1947માં અમદાવાદના દેત્રોજ તાલુકામાં આવેલા રૂદાતલ ગામમાં થયો છે. સાવ અલગારી માણસ અને જરાયે અભિમાન નહીં. આટલી ઉંમરે પણ હજુ કામ કરતા રહે, પરંતુ કોઇ પણ જાતની અપેક્ષા નથી રાખતા.તો અંબાલાલ દામોદરદાસ પટેલનો ઇન્ટરવ્યૂ વાંચો

સ- હવામાનની આગાહી કરવાની શરૂઆત કેવી રીતે થઇ?

તેમણે કહ્યું કે હું જ્યારે આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી બીએસસી. એગ્રી કલ્ચરમાં ગ્રેજ્યુએટ થયો પછી બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો. તે વખતે મારે ગામે ગામ જવું પડતું હતું. સુરતમાં પણ અઠવાલાઇનસ પર આવેલી કૃષિ સંસ્થામાં આવતો. તે વખતે ખેડુતોને હું પુછતો હતો કે, કપાસ બરાબર કેમ થયો નથી? તો ખેડુતો કહેતા કે, સાહેબ, વરસાદ બરાબર ન થયો એટલે કપાસ બરાબર થયો નથી.

એ વખતે મારે બસમાં લાંબી મુસાફરી કરવી પડતી હતી, એક વખત મેં વિચાર કર્યો કે, એવું કઇંક હોવું જોઇએ કે જેનાથી ખેડુતોને ખબર પડે કે કેટલો વરસાદ પડવાનો છે, તો એ રીતે પાક મેળવી શકે.બસમાં હું જુદા જુદા પુસ્તકો વાંચતો.બસ સ્ટેન્ડ પર પણ ઉભો હોવું તો વરસાદ રિલેટેડ પુસ્તકો વાંચતો રહેતો હતો. 1980માં મેં સૌથી પહેલી આગાહી કરી અને સાચી પડી હતી. ત્યારથી સિલસિલો ચાલુ છે.

સ-તમે આટલી સચોટ આગાહી શેના આધારે કરો છો?

અંબાલાલ પટેલે કહ્યું કે હું પરંપરાગત જ્ઞાન સતત મેળવતો રહુ છું. સપ્તાદાયી ચક્ર જ્યોતિષ, જળ દાયક નક્ષત્ર નાડી, મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા, ધ મોન્સુન, અવર મોન્સુન, 100 વર્ષ પહેલાંનુ ચોમાસાનું કોહીનુર જેવા પુસ્તકોનો અભ્યાસ કરીને આગાહી કરુ છું. ઉપરાંત ખગોળને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળીયા, સાઠ સંવત્સરી કુંડળી અને પંચાગના ભરતી ઓટના સમયે આધારે હું હવામાનની આગાહી કરુ છું. અંબાલાલે કહ્યું હવેના પચાંગમાં દરિયામાં ભરતી-ઓટનો સમય આપવામાં નથી આવતો મારું સુચન છે કે પંચાગમાં ભરતી-ઓટનો સમય આપવો જોઇએ. વરતારા માટે સાથે આધુનિક વિજ્ઞાનનો પણ સહોરા લઉં છું.

 આ ઉપરાંત અમેરિકાના પેરુ, લો પ્રેસર એરિયા ઝોન, હિંદ મહાસાગરમાં વાદળોનો ભરાવો, અરબ સાગરનું ટેમ્પરેચર, પ્રશાંત મહાસાગરમાં બનતા સાયક્લોન, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ વગેરેનો પણ અભ્યાસ કરતો રહું છું.

સ- વધુ વરસાદ કે વાવાઝોડ માટે શું ખાસ માહિતી મેળવો છો?

અંબાલાલ પટેલે કહ્યું કે, મેં જે પ્રાચીન અને પરંપરાગત જ્ઞાન મેળવ્યું છે તે મુજબ જો પ્રચંડ નાડીમાં ગ્રહો આવે ત્યારે શનિ ગ્રહ મુખ્ય હોય છે મતલબ કે વાવાઝોડું આવી શકે.દાહી નાડી ગ્રહ હોય તો ગરમી પડે, સૌમ્ય નાડીમાં ગ્રહ હોય તો હવા સમષિતોષ્ણ રહે, નીર નાડીમાં ગ્રહો હોય તો વરસાદ પડે, જલ નાડીમાં ગ્રહો હોય તો વધારે વરસાદ પડે, અમૃત નાડીમાં ગ્રહો હોય તો વરસાદની હેલી થાય. મેઘ માળા અને મેઘ મહોદય પુસ્તકમાં ઘણી વિગતો મળે.

સ- તમારા પરિવારમાં કોણ કોણ છે?

મારા સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. મોટા દિકરાનું નામ રાજેન્દ્ર છે, જે ધ્રાંગધામાં હોસ્પિટલ ચલાવે છે. નાનો દિકરો સતીષ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ભણીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે અને અત્યારે ત્યાં કાઉન્સીલની ચૂંટણી લડી રહ્યો છે. દિકરી અલકા પણ ડોકટર છે.

સ- તમને અત્યાર સુધીમાં કેટલા એવોર્ડ મળ્યા?

અંબાલાલ પટેલે કહ્યું કે, મને ઘણા એવોર્ડ્સ મળ્યા છે.2003 માં UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. તો, નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા મારું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ મારું સન્માન કરવામાં આવ્યું છે.

સ- એક વખત આગાહી વખતે તમારી ધરપકડ થયેલી?

અંબાલાલ પટેલે કહ્યુ કે, એક વખત વર્ષ  ચોક્કસ યાદ નથી, પણ કદાચ 2000ની આજુબાજુ કચ્છમાં ભૂંકપ થવાનો છે એવી મેં આગાહી કરેલી ત્યારે મારી ધરપકડ કરવામાં આવેલી. ભૂંકપની આગાહી થઇ શકતી નથી, કારણકે તેને કારણે લોકોમાં ભય ફેલાય છે.

સ- હવે આગામી દિવસોમાં ગુજરાત માટે શું આગાહી છે?

અંબાલાલ પટેલે કહ્યું કે, હજુ લો પ્રેસર બને છે એટલે બનાસ કાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. 10 સપ્ટેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં એક સીસ્ટમ બની રહી છે, જે વરસાદ લાવશે. સરકારી ચોપડે ચોમાસાની વિદાય લગભગ 17-18 સપ્ટેમ્બર છે, પરંતુ મારું માનવું છે કે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ પડશે. ગુજરાતમાં 3 ઓકટોબર, 17 ઓક્ટોબર અને 18 નવેમ્બરે ભારે પવન ફુંકાશે. દરિયામાં વાવાઝોડું પણ સક્રીય થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp