માટી વિના છેલ્લા 10 વર્ષથી પોતાના ટેરેસ પર જ વિવિધ શાકભાજી ઉગાડી રહી છે આ મહિલા

PC: whatshot.in

ખેતી કરવી સરળ નથી હોતી. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે શહેરમાં રહેતા હો. પુણેની નીલા રેનાવિકર પંચપોર એક કોસ્ટ અકાઉન્ટન્ટ છે સાથે જ તે મેરાથોન રનર છે અને માટી વિના છોડ અને શાકભાજી ઉગાડે છે. તેની પાસે માત્ર 450 સ્ક્વેર ફૂટનું ટેરેસ ગાર્ડન છે અને તે આ ગાર્ડનમાં માટી વિના શાકભાજી અને ફ્રૂટ્સ પણ ઉગાડે છે. પોતાના છોડ માટે જે કમ્પોસ્ટ અથવા ખાતર જોઈએ તે નીલા જાતે જ તૈયાર કરે છે,

તેને તેણે સૂકા પાંદડા, કિચન વેસ્ટ અને છાણમાંથી બનાવ્યું છે. તેના જણાવ્યા અનુસાર, માટી વિના આ ખાતર પાંદડાઓના કારણે વધુ સમય સુધી ભેજને જાળવી રાખે છે. તેને કારણે છોડ હેલ્ધી રહે છે અને વાતાવરણ પણ શુદ્ધ રહે છે. નીલાના જણાવ્યા અનુસાર, તે કોઈ સ્પેશિયલ ટેકનિકનો ઉપયોગ નથી કરતી, તેના કામમાં માત્ર મહેનત અને સમય આપવાનો હોય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નીલાને પર્યાવરણ સાથે પ્રેમ છે પરંતુ તેને સમજાતું નહોતું કે તેના કિચનમાં જે વેસ્ટ હોય છે, તેનો તે કઈ રીતે ઉપયોગ કરે. પછી તેણે એ મિત્રોની મદદ માંગી જે કમ્પોસ્ટિંગ કરતા હતા. ત્યારબાદ તેની આ જર્નીની શરૂઆત થઈ. અહીં જ તે કિચન વેસ્ટને અલગ કરતા શીખી અને તેનું કમ્પોસ્ટિંગ પણ શીખી. નીલાએ ઈન્ટરનેટની મદદથી માટી વિના છોડ ઉગાડવાની ટેકનિક શીખી.

કઈ રીતે છોડ માટે બેડ તૈયાર કરવો, તેને કેટલું પાણી આપવું, કયું ખાતર આપવાનું છે આ બધુ જ તે ઈન્ટરનેટની મદદથી શીખી. થોડાં સમય બાદ તેણે ઘરે જ કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. તેને માટે તેણે એક ડબ્બામાં સૂકા પાંદડા નાંખ્યા, પછી છાણ નાંખ્યું. પછી દર અઠવાડિયે તે કિચન વેસ્ટને તેમાં ભેગું કરવા માંડી. એક મહિનામાં ખાતર તૈયાર થઈ ગયું.

આ કમ્પોસ્ટને તેણે એક ડોલમાં નાંખ્યું અને તેમાં કાકડીના બી રોપ્યા, તેને નિયમિતરીતે પાણી આપતી રહી અને 40 દિવસ બાદ તેમાં કાકડી ઉગી. આ નાનકડી જીત બાદ તેણે મરચા, ટામેટા અને બટાકા પણ ઉગાડ્યા. નીલા કહે છે કે, માટી વિના ખેતી કરવાના ત્રણ મોટા ફાયદા છે. એક તો તેમાં જીવાત નથી પડતી, બીજું નકામુ ઘાસ નથી ઉગતું અને ત્રીજું માટીવાળી ખેતીમાં છોડ પોષણ અને પાણી શોધે છે, જે અહીં તેમને સરળતાથી મળી જાય છે.

આ ખેતીના બહાને નીલા રીસાયકલિંગ પણ કરી લે છે. તે જુના ડબ્બા, પ્લાસ્ટિકના વાસણોમાં છોડ ઉગાડે છે. તેના આ ગાર્ડનમાં એવા 100 ડબ્બા છે અને તે તેને વધારવા અંગે વિચાર કરી રહી છે. તે દર અઠવાડિયે પોતાના આ ગાર્ડનમાંથી શાકભાજી અને ફળ તોડે છે અને આસપાસના લોકો તેમજ મિત્રોને આપે છે. થોડાં સમય પહેલા નીલાએ પોતાના મિત્રોની સાથે એક ફેસબુક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં તે ગાર્ડનિંગ સાથે જોડાયેલી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરતી રહે છે. હવે આ ગ્રુપ સાથે 30000 લોકો જોડાઈ ચુક્યા છે, આ ગ્રુપને તમે પણ ફેસબુક પર જોઈન કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp