દેશમાં આ જગ્યાએ દેખાયા રોશની છોડતા મશરૂમ, રાત્રે ચમકે છે પહાડ, જુઓ અદભુત Photos
આમ તો અનેક પ્રકારના મશરૂમ જોવા મળે છે. પણ ક્યારેય જંગલમાં રાત્રે રોશની આપતા છોડ વિશે જોયું કે સાંભળ્યું છે ખરા? પણ આ વાત સાચી છે કે, રોશનીવાળો છોડ પણ હોય છે. ગોવાના જંગલમાંથી રોશનીવાળું મશરૂમ મળ્યું છે. જેને બાયો લ્યુમિનિસેન્ટ મશરૂમ કહે છે. ગોવાના જંગલ વિસ્તારમાં આ એક દુર્લભ રોશની આપતું મશરૂમ છે. જે રાત્રીના અંધારામાં લીલા રંગમાં અને રીંગણી રંગમાં ચમકતું જોવા મળે છે.
રોશની આપતું આ મશરૂમ ગોવાના મ્હાડેઈ વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં જોવા મળ્યું છે. આ સેન્ચુરીને મોલેમ નેશનલ પાર્ક અથવા મહાવીર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી પણ કહે છે. આ સેન્ચુરી ગોવાના પશ્ચિમી ઘાટ પર સ્થિત છે. દિવસના સમયે આ મશરૂમ એક સામાન્ય મશરૂમ જેવું દેખાય છે. પણ રાત્રે એમાંથી રોશની નીકળે છે.
વન્ય જીવ નિષ્ણાંત કહે છે કે, મશરૂમની આ પ્રજાતિને Mycena Genus-માયસેના જીનસ કહે છે. જેમાંથી રાત્રીના સમયે થોડી રોશની નીકળે છે. આ મશરૂમમાંથી રાત્રે એટલા માટે રોશની નીકળે છે જેથી તે કીડાની મદદથી અન્ય જગ્યાઓ પર ફેલાઈ શકે. જેથી આ પ્રકારના મશરૂમનું ઉત્પાદન વધે. રોશની છોડતા મશરૂમ પોતાના વિસ્તરણ માટે કીટકની મદદ લે છે. જેથી તે જંગલમાં અન્ય જગ્યાએ ફેલાઈ શકે. આ માટે તે છોડની છાલ, પાંદડા, જમીનમાંથી ભેજનો ઉપયોગ કરે છે. આ એક ખાસ પ્રકારની ફૂગ-Fungi છે.
અત્યાર સુધીમાં રોશની આપતા મશરૂમની 50 પ્રજાતિઓની જાણકારી સામે આવી છે. ગોવાના જંગલમાંથી મળી આવેલા મશરૂમ માત્ર ચોમાસાની સીઝનમાં જ જોવા મળે છે. આ છોડના વિકાસ માટે જમીનના ભેજની જરૂર પડે છે. તાપમાન પણ 21 ડિગ્રીથી લઈને 27 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. ગોવાની મહાવીર વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં ચોમાસાની સીઝનમાં આ છોડની સંખ્યામાં નોધપાત્ર વધારો થાય છે. જંગલમાં આ છોડને શોધવા પડતા નથી.
પણ રાત્રીના સમયે જંગલમાં જવું પડે છે. આ પ્રકારના મશરૂમની જાણકારી ત્યારે મળી જ્યારે ગોવાના બિચોલીમ તાલુકાના મેનકુરેમ વિસ્તારની સંસ્કૃતિ નાયક જંગલમાં ફરવા માટે આવી હતી. તેમણે અહીં રોશની આપતા મશરૂમ જોયા હતા. આ પછી તેમણે તાત્કાલિક વનવિભાગને જાણકારી આપી.
ત્યાર બાદ નિષ્ણાંતોએ એના ફોટા પાડીને જાણકારી એકઠી કરી હતી. સંસ્કૃતિએ એવું પણ કહ્યું કે, અગાઉ મને આ પ્રકારના મશરૂમની કોઈ પ્રકારની જાણકારી ન હતી. જ્યારે જંગલમાં પહેલી વખત કોઈ છોડને ચમકતો જોયો તો હું પણ ચોંકી ગઈ. ત્યારે એના મૂળ અને પાંદડા પણ ચમકી રહ્યા હતા. જેમાંથી લીલા રંગનો એક પ્રકાશ નીકળતો હતો. નજીક જઈનો જોયું તો એ મશરૂમ હતા.
આ પછી વન્ય નિષ્ણાંતોએ એક ખાસ અભ્યાસ કરીને આ અંગે માહિતી એકઠી કરી હતી. પણ જેમ જેમ દિવસ ઉઘડતો જાય છે એમ આ રોશની બંધ થતી જાય છે. રોશની આપતા એ મશરૂમ સામાન્ય મશરૂમ જેવા જ દેખાવા લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp