શું લાગે છે, કોણ જીતશે? આવા સવાલનો જવાબ તમે શું આપો?

PC: Khabarchhe.com

(Virang Bhatt). આજકાલ આપણને દરેક ક્ષેત્રના એક્સપર્ટ મળી જશે. તે એક સારી વાત છે. કારણ કે કોઇ એક વ્યક્તિ તમામ બાબતો જાણતો હોય તેવું બની શકે નહીં. જીવનના જુદા જુદા પાસાઓમાં આપણે અલગ અલગ લોકોની મદદ લઇએ. બીમાર પડીએ તો ડોક્ટર પાસે જઇએ. ભણવું હોય તો શિક્ષક પાસે જઇએ, ધર્મની વાત હોય તો સાધુ-સંત કે મહારાજ પાસે જઇએ. આમ કરવાના ફાયદા પણ છે. કારણ કે જે તે વિષયમાં સતત રચ્યા પચ્યા રહેનાર પાસે આપણે જઇએ તો ઉકેલ તરત મળે છે. પરંતુ એક્સપર્ટ તમને જેટલો ફાયદો કરાવે એટલું મોટું નુક્સાન પણ કરાવી શકે. તેની પાછળ ચોક્કસ કારણો અને વૈજ્ઞાનિક તારણો પણ છે.

તાજેતરમાં જ એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસમાં એ જાણવું હતું કે એક્સપર્ટ હોય તે પોતે સાચા હોય ત્યારે કેટલા કોન્ફિડન્ટ હોય અને ખોટા હોય ત્યારે કેટલા કોન્ફિડન્ટ હોય. તારણ ચોંકાવનારૂં બહાર આવ્યું. એક્સપર્ટને ખબર હોય કે તે સાચો છે ત્યારે તો તો ખૂબ કોન્ફિડન્ટ હોય જ છે પરંતુ તે ખોટો હોય ત્યારે પણ તે તેટલો જ કોન્ફિડન્ટ હોય છે.
એક્સપર્ટ પોતે જાણતો હોય છે. તેને શંકા હોય છે છતાં તે માનતો નથી. તેનું મન માનતું નથી અને તે ખોટા અભિપ્રાય આપી જ દે છે.

આ વાતને આપણે પત્રકારોના ઉદાહરણથી સરળ રીતે સમજી શકીએ. મોટાભાગના વ્યક્તિ એમ માનતા હોય છે કે પત્રકારોને દરેક બાબતની ખબર હોય છે. ખાસ કરીને રાજકારણની તો ખબર જ હોય. એટલે સામાન્ય રીતે લોકો પત્રકારોને પૂછતા હોય છે કે શું લાગે છે, ચૂટંણી કોણ જીતશે. આવા સવાલોનો સામનો દરેક પત્રકારે કરવાનો આવે છે. હવે જો તો આવા સવાલનો જવાબ ન આપે તો લોકો એવું માને છે કે આને કંઇ ખબર પડતી નથી. એટલે તેને જે મનમાં આવે તે કહી દે છે. તેની પાસે જે પણ જાણકારી હોય તે આપી દે છે. પછી તે સાચી હોય કે ખોટી. કારણ કે અહીં તેની ઇમ્પ્રેશનનો સવાલ છે. લોકો શું કહેશે, તેની ચિંતા હોય છે. ભવિષ્યમાં લોકો તેને મહત્ત્વ જ નહીં આપશે, તેની ચિંતા હોય છે. એટલે તે આવું કરવા પ્રેરાય છે. જો તે કોઇપણ જવાબ ન આપે તો નુક્સાન થાય તેમ છે.

રીસર્ચ કરનારે પણ આવું જ તારણ આપ્યું છે. એક્સપર્ટ લોકોની ઇમ્પ્રેશન ખરાબ ન થાય એટલે તેમને ખબર ન હોય તેવી બાબતનો પણ જવાબ તેઓ આપી દેતા હોય છે. કારણ કે તેની સાથે તેમનો ધંધો પણ જોડાયેલો છે. જોકે, કેટલાક એક્સપર્ટ તેમને ન ખબર હોય તો બીજા પાસે મોકલી દે છે. તબીબી ક્ષેત્રમાં આવું બનતું હોય છે. પરંતુ આવું કરનારા ઓછા હોય છે. એટલે કેટલાક લોકો સેકન્ડ કે થર્ડ ઓપિનિયન લેતા હોય છે. મહત્ત્વની બાબતોમાં તે લઇ લેવું સલાહભર્યું છે. એક્સપર્ટને ખોટું લાગશે કે તે તમારો મિત્ર છે, તેવું વિચારીને નિર્ણય કરવો નહીં. 

અંતમાં જાણીતા શાયર નિદા ફાઝલીનો એક શેર ટાંકીને આ વાતને પૂરી કરીએ

કભી કભી હમને અપને દિલ કો યું ભી બહલાયા હૈ..યુ ભી બહલાયા હૈ...જિન બાતોં કો ખુદ નહીં સમઝે..ઔરોં કો સમઝાયા હૈ..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp