અંગ્રેજોના સમયના 3 કાયદા બદલાશે, અમિત શાહે સંસદમાં મૂક્યા 3 બિલ, જાણો તમામ વિગત
મોનસુન સત્રના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાયદા સંબધિત 3 બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. જેમાં ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023 બિલ, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ, 2023 બિલ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ બિલનો સમાવેશ થાય છે.અમિત શાહે કહ્યુ કે આ ત્રણેય બિલોને સ્ટેન્ડીંગ કમિટીમાં મોકલવામાં આવશે. એ ઉપરાંત તેમણે કહ્યુ કે, આઝાદીના અમૃતકાળની શરૂઆત થઇ ચૂકી છે. જૂના કાયદામાં માત્ર સજા હતી. અંગ્રેજોના સમયના ત્રણેય કાયદા બદલી દેવામાં આવશે. જૂના કાયદામાં બદલાવ માટે બિલ રજૂ કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું,આ નવા બિલની સાથે IPC, CRPC અને એવિડન્સ એક્ટ ખતમ થઇ જશે. નવા કાયદાનો હેતુ ન્યાય આપવાનો હશે. મહિલાઓ અને બાળકોને ન્યાય મળશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં 3 બિલ રજૂ કરતી વખતે 10 પોઇન્ટ પર ચર્ચા કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે આજે હું જે ત્રણ બિલ એકસાથે લઈને આવ્યો છું તે PM મોદીના પાંચ વચનમાંથી એકને પૂર્ણ કરશે. આ ત્રણ બિલમાં એક ઇન્ડિયન પીનલ કોડ છે, એક ક્રિમીનલ પ્રોસીજર કોડ છે, ત્રીજું ઇન્ડિયન એવિડન્સ કોડ છે. ઇન્ડિયા પીનલ કોડ 1860ની જગ્યાએ હવે ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023 હશે. ક્રિમીનલ પ્રોસીજરના સ્થાને ઇન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ 2023 પ્રસ્થાપિત થશે. અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ને બદલીને ઇન્ડિયન એવિડન્સ એક્ટ લાગુ થશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ત્રણ કાયદાઓને બદલીને તેમની જગ્યાએ જે ત્રણ નવા કાયદા બનાવવામાં આવશે તેમાં ભારતીયોને અધિકાર આપવાની ભાવના હશે. આ કાયદાઓનો હેતુ કોઈને સજા કરવાનો રહેશે નહીં. તેનો હેતુ લોકોને ન્યાય આપવાનો રહેશે. તેમણે કહ્યું કે 18 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતની સર્વોચ્ચ અદાલત, 22 ઉચ્ચ અદાલતો, ન્યાયિક સંસ્થાઓ, 142 સાંસદો અને 270 ધારાસભ્યો ઉપરાંત, જનતાએ પણ આ બિલો અંગે સૂચનો આપ્યા છે. ચાર વર્ષથી આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. અમે આ અંગે 158 બેઠકો કરી છે.
અમિત શાહે કહ્યું, આ બિલ હેઠળ, અમે સજાનો રેશિયો 90 ટકા થી ઉપર લઈ જવાનો એક લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.તેથી, અમે એક મહત્વપૂર્ણ જોગવાઈ લાવ્યા છીએ. જ્યાં 7 વર્ષ અને તેથી વધુની સજા હોય તેવા તમામ કેસમાં ફોરેન્સિક ટીમ માટે ગુનાના સ્થળની મુલાકાત લેવાનું ફરજિયાત બનાવવામાં આવશે.
લોકસભામાં ભારતીય સુરક્ષા બિલ, 2023 પર બોલતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 1860 થી 2023 સુધી, દેશની ફોજદારી ન્યાય પ્રણાલી અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદા અનુસાર કામ કરતી હતી. ત્રણ કાયદા બદલવામાં આવશે અને દેશમાં ક્રિમિનલ ન્યાય પ્રણાલીમાં મોટો બદલાવ થશે.
અમિત શાહે કહ્યું કે આ કાયદાથી સામાન્ય લોકોને પોલીસ અત્યાચારોથી મુક્તિ મળશે.યૌન હિંસાના કેસમાં પીડિતાનું નિવેદન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પોલીસે 90 દિવસમાં સ્ટેટસ આપવાનું રહેશે.
અમિત શાહે લોકસભામાં કહ્યું કે IPC પરનું નવું બિલ રાજદ્રોહના ગુનાને સંપૂર્ણ રીતે રદ કરી દેશે. ભારતીય ન્યાય સંહિતા (નવી IPC)માં અલગતા, સશસ્ત્ર બળવો, વિધ્વંસક, પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા ભારતની સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો પર નવા ગુના પણ ઉમેરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગ પર પણ કાયદો લાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ નવા કાયદા આવવાથી આઝાદીના અમૃત કાળની શરૂઆત થઇ ગઇ છે. અમિત શાહે કહ્યું, સંશોધન બિલમાં 9 કલમો બદલીને અને દુર કરવામાં આવી છે. ફેરફાર પછી 533 કલમો રહેશે.
અમિત શાહે કહ્યું કે કેસની તપાસ 180 દિવસમાં પૂરી કરવાની રહેશે. બીજી તરફ જો દોષી સાબિત થવા પર 30 દિવસમાં સજા આપવી પડશે. કાયદામાં ગુલામીના 475 પ્રતીકો હતા. રાજ્યપાલ અને મુખ્યમંત્રી પાસેથી પણ સૂચનો લેવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નવા કાયદા હેઠળ મોબ લિંચિંગના કેસમાં 7 વર્ષની સજા થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અલગતાવાદ અને દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા જેવા અપરાધોને અલગ અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તેની ગેરહાજરીમાં દાઉદ ઈબ્રાહિમ જેવા ફરાર ગુનેગારો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
અમિત શાહે કહ્યું કે, સેશન્સ કોર્ટના જજ જેને ભાગેડુ જાહેર કરશે, તેમની ગેરહાજરીમાં પણ તેમના કેસની સુનાવણી થશે અને તેમને સજા થશે, જો તેઓ સજાથી બચવા માંગતા હોય તો ભારત આવીને કેસ લડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp