સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 8 સભ્યો BJPમા જોડાશે, હાર્દિકે કહ્યું- જાય એને જવા દો

PC: zeenews.com

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કવાયત શરૂ કરી છે. ભાજપ દ્વારા પોતાના 30 સ્ટાર પ્રચારકનું લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસે પણ પોતાના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપ પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર જીતવાનો દાવો કરી રહી છે. તો તેની સામે કોંગ્રેસને 7 બેઠકો જીતવાનો દાવો કરે પરંતુ પેટાચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે ફરીથી ગુજરાતમાં તોડ-જોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં લેવાની મનાઈ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ અલગ-અલગ જગ્યા પરના કોંગ્રેસના કાર્યકર્તાઓને પક્ષમાં આવકારી રહ્યા છે. ત્યારે હવે મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડશે કારણ કે, મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિત આઠ જેટલા સભ્યોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

મોરબીમાંથી ભાજપે કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે અને કોંગ્રેસ દ્વારા જયંતી પટેલને ટિકિટ આપવામાં આવી છે. મોરબી બેઠક પર કોંગ્રેસમાંથી કિશોર ચીખલીયાએ પ્રબળ દાવેદારી નોંધાવી હતી પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતા તે નારાજ થઈને ભાજપ સાથે જોડાયા હતા. કિશોર ચીખલીયાએ ભાજપ સાથે જોડાયા બાદ હાર્દિક પટેલે ટિકિટ આપવામાં પૈસાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કિશોર ચીખલીયાએ ભાજપમાં જોડાયા પછી કોંગ્રેસને વધુ ફટકો પડયો છે કારણ કે, મોરબી નગરપાલિકાના 8 સભ્યોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા, નગરપાલિકાના સભ્ય બીપીન દેત્રોજા, નવીન ધુમલીયા, અશોક કાંજીયા, જીતેન્દ્ર ફેફર, ઈદરીશ છેડા, જયદીપસિંહ રાઠોડ અને અરુણા બા જાડેજા સહિતના સભ્યો કોંગ્રેસને જાકારો આપીને ભાજપનો ખેસ ધારણ કરશે.

તો બીજી તરફ ગુજરાતમાં તોડ-જોડવાની રાજનીતિ શરૂ થઈ હોવાના કારણે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાના કારણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ફેસબૂક પર એક પોસ્ટ અપલોડ કરી હતી અને તેમાં લખ્યું હતું કે, જાય એને જવા દો સાહેબ, અમુક લોકો સત્તા અને રૂપિયા પાછળ ગાંડા છે. મને ઇ નહીં ફાવે.

મોરબીમાં ભાજપે પક્ષ પલટુ ઉમેદવારને મેદાને ઉતાર્યો છે છતાં પણ ભાજપ મોરબીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા લોકો પક્ષ પલટુને મત નહીં આપે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવે 3 નવેમ્બરના રોજ જ ખબર પડશે કે, લોકો પક્ષ પલટુને આવકારે છે કે, પછી જાકારો આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp