ભાજપમાં જોડાતાની સાથે ચિરાગ પટેલે કહ્યું- કોંગ્રેસમાં કંઈ લેવાનું નથી
લોકસભા 2024 પહેલા ગુજરાત ભાજપમાં અત્યારે ભરતી મેળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસના રામ રામ કરીને ભાજપમાં આવેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમના સમર્થકો સાથે આખરે ભાજપમાં જોડાઇ ગયા છે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે ભાજપમાં જોડાતાની સાથે કોંગ્રેસની બુરાઇ શરૂ કરી દીધી છે. પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં હવે કઇં લેવાનું નથી, જ્યાં રામ મંદિર ન હોય ત્યાં હું પણ હોતો નથી. કોંગ્રેસ-AAPના ધારાસભ્યો ઉપરાંત અન્ય સ્થળોએથી કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઇ ગયા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે બધાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
થોડા દિવસો પહેલાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ઘણા દિવસો પછી રવિવારે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઇ ગયા અને તેમના સમર્થકોને પણ લેતા ગયા. સી. આર. પાટીલે બધાને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી હતી.
ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલે કહ્યું કે, કોંગ્રેસ હવે દિશાવિહીન બની ગઇ છે, કોંગ્રેસમાં કશું લેવાનું નથી. કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો અને જ્યાં રામ મંદિરનો વિરોધ હોય ત્યાં હું ન હોવું એમ ચિરાગ પટેલે કહ્યું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ચિરાગ પટેલને પાનો ચઢાવતા કહ્યુ હતું કે, ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા માટે કલેજું જોઇએ અને ચિરાગ પટેલે એ કરીને બતાવ્યું છે. અમે જ્યારે ચિરાગ પટેલને વિકાસની વાત કરી તો તેઓ ગળગળા થઇ ગયા હતા એમ પાટીલે ઉમેર્યું હતું.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને છેલ્લી બે લોકસભાથી ભાજપ આ બધીયે બેઠકો જીતતું આવ્યું છે. આ વખતે પણ લોકસભા 2024માં ગુજરાતમાં ભાજપ માટે મજબુત સ્થિતિ છે, છતા પણ ભાજપ કોઇ જોખમ લેવા માંગતું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવા માટે ગુજરાત ભાજપે એક ખાસ તોડફોડ ટીમ બનાવી છે.
ચિરાગ પટેલ, ભૂપત ભાયાણી ઉપરાંત બોરસદમાં પણ કોંગ્રેસના 2,000 જેટલાં કાર્યકરાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો હાથ પકડી લીધો છે.
બીજી તરફ ખેરગામના વાંસતામાં પાણી ખડકના 100થી વધારે આદિવાસી સમાજના કાર્યકરોએ ભાજપની ટોપી પહેરી લીધી છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, તેમાંથી ખંભાતના ચિરાગ પટેલ અને વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દેતા, હવે કોંગ્રેસ પાસે માત્ર 15 ધારાસભ્યો જ બચ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp