‘પનોતી’ શબ્દ પર થઇ રહી છે મોટી રાજરમત, જાણો શું છે તેનો અર્થ ?
દેશમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને ટોચના નેતાઓ પ્રચારમાં લાગેલા છે. તાજેતરમાં મધ્ય પ્રદેશની એક સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર ‘મુર્ખાના સરદાર’ કહ્યા હતા. એ પછી વર્લ્ડકપ 2023ની મેચ ભારતે હાર્યા પછી રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં PM મોદીનું નામ લીધા વગર ‘પનોતી’ કહી દીધા હતા.
PM મોદીએ મધ્ય પ્રદેશના બૈતૂલમાં એક સભામાં રાહુલ ગાંધીના ‘મેડ ઇન ચાઇના’ વાળા નિવેદન પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, દેશમાં બધા પાસે મેઇડ ઇન ચાઇના ફોન છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અરે મુર્ખના સરદારો, કઇ દુનિયામાં વસો છો? ભારત આજે દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
એ પછી 19 નવેમ્બરે વર્લ્ડકપ મેચમાં ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે હારના બે દિવસ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા ખેલાડીઓ સારી રીતે મેચ જીતી રહ્યા હતા, પરંતુ પનોતીએ મેચ હરાવી દીધી. રાહુલનું નિશાન PM મોદી પર હતું.
વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ અચાનક પનોતી શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જ્યારે વિરોધ પક્ષોએ વડાપ્રધાન મોદીના સ્ટેડિયમમાં આગમનને લઈને આ શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારે શાસક પક્ષના નેતાઓ અને સમર્થકોએ આ અંગે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપ હારી ગઈ કારણ કે પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. રાહુલના નિવેદન પછી ભાજપે વળતો પ્રહાર કરીને 'હા હુ પનોતી છું, કોંગ્રેસ માટે' એવું અભિયાન સોશિયલ મીડિયા પર શરૂ કર્યું છે. ઉપરાંત રાહુલના નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
ICC મેન્સ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર પછી પનોતી શબ્દનો જેટલી વાર ઉપયોગ થયો છે તેવો અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય થયો નથી. પરંતુ અમે તમને પનોતી શબ્દનો અર્થ શું થાય તેના વિશે જણાવીશું.
પનોતી શબ્દ સામાન્ય રીતે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જેમની ગ્રહદશા ખરાબ હોય તેના માટે વાપરવામાં આવતો હોય છે. ભગવદગોમંડલ પર પનોતી શબ્દનો વિશાળ અર્થ બતાવવામાં આવ્યો છે. પનોતી એટલે કુમારિકા, છોકરી એવો અર્થ થાય, ઉપરાંત જ્યોતિષ પ્રમાણે ખરાબ દશા. દિવાદાંડી, ભાગ્યશાળી સ્ત્રી જેના એક પણ સંતાનનું મોત થયું નથી. હનુમાનજીના પગ નીચે કોતરીને બનાવવામાં આવેલી સ્ત્રી.
આજના વૈજ્ઞાનિક યુગમાં આવા પનોતી જેવા શબ્દનો ઉપયોગ ન થવો જોઇએ. કોઇ એક વ્યકિતને કારણે ક્રિક્રેટ કે કોઇ પણ રમતમાં હાર જીત થતી નથી હોતી. ટીમની મહેનતનું જ મહત્ત્વ હોય છે. રાહુલ ગાંધી હોય કે પ્રધાનમંત્રી મોદી હોય કોઇએ પણ પનોતી શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ.
નેપાળમાં એક ગામનું નામ પણ પનોતી છે, જે કઠમંડુથી 32 કિ.મી. દુર આવેલું છે.
જો ભાષાની દૃષ્ટિએ જોઇએ તો પનોતી શબ્દ પન અને ઓતિ શબ્દ જોડીને બન્યો છે. પન નો અર્થ થાય છે અવસ્થા. દાખલા તરીકે બાળપણ. હિન્દીમાં જેને બચપન કહે છે. જ્યારે ઔતિ એક પ્રત્યય છે. દાખલા તરીકે ચુનૌતી, બપૌતી.
આમ ભાષામાં પણ એક અવસ્થાને પનૌતી કહેવાય છે. કોઇ વ્યક્તિને પનૌતી કહેવામાં આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp