26th January selfie contest

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની રાજ્યસભા બેઠક પર સંકટના વાદળો ઘેરાયા, જાણો વિગત

PC: deccanchronicle.com

UPA અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીક ગણાતા કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલની રાજ્યસભા બેઠક પર સંકટના વાદળો ઘેરાયા છે. પટેલના ગુજરાતથી 2017માં રાજ્યસભામાં ચૂંટાવા વિરુદ્ધ ભાજપ નેતા બળવંત સિંહ રાજપૂતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે 6 મુદ્દા નિર્ધારીત કર્યા છે.

જસ્ટિસ બેલા ત્રિવેદીએ શુક્રવારે ભાજપ નેતાની અરજી પર મુદ્દા નિર્ધારીત કર્યા છે. હવે આ કેસમાં અદાલત આગામી સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરવાની છે. અદાલતે નક્કી કરેલા મુદ્દામાં રાજપૂતના આરોપોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા મુદ્દા મુજબ અહેમદ પટેલ અને તેમના એજન્ટોએ લાંચ લઈને અને ખોટી રીતે ચૂંટણી પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. જેને પરિણામે તેમની ચૂંટણી અમાન્ય જાહેર થઈ શકે છે.

આ ઉપરાંત અન્ય મુદ્દાઓમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમાર અને મિતેશ ગરાસિયાના મત ગેરકાયદે જાહેર થઈ શકે છે. આ સાથે જ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને રાઘવજી પટેલના મતને ખોટી રીતે રદ્દ કરવામાં આવતા પરિણામ પ્રભાવિત થયા છે. એક મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં ભારતીય ચૂંટણી પંચના આદેશ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ નિર્ણયને સ્વાભાવિક ન્યાય અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે. આ મુદ્દાઓને જનપ્રતિનિધિ કાનૂન 1951 અંતર્ગત વિભિન્ન ધારાઓ હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બળવંત સિંહ રાજપૂત દ્વારા અહમદ પટેલને 2017માં રાજ્યસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ તરફથી વિજયી જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

આ મહિનાની શરુઆતમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા અહેમદ પટેલને રાજ્યસભા ચૂંટણી સાથે સંકળાયેલા કેસની સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અહેમદ પટેલ દ્વારા હાઈકોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જો કે પટેલને ત્યાં પણ નિરાશા સાંપડી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp