અજીત પવારે 10 મિનિટની અંદર જ કેબિનેટ મીટિંગ છોડી, જાણો કેમ નારાજ છે NCP નેતા
હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ મહારાષ્ટ્રની સત્તારૂઢ મહાયુતિ (શિવસેના- ભાજપ-NCP) ઉત્સાહમાં આવી ગઇ છે કેમ કે આવતા મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલે જ મહારાષ્ટ્ર સરકાર મોટા-મોટા નિર્ણયો ફટાફટ લઇ રહી છે. આ જ સંદર્ભમાં ગુરવારે CM એકનાથ શિંદેના નેતૃત્વમાં કેબિનેટની મીટિંગ બોલાવવામાં આવી હતી. પરંતુ આ મીટિંગને શરુ થયાને 10 મિનિટની અંદર જ ઉપમુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર મીટિંગ છોડીને ચાલ્યા ગયા હતા અને મીટિંગ દરમિયાન તેની ખુરશી ખાલી રહી હતી.
જો કે અજીત પવારના ગયા પછી આ મીટિંગ લગભગ અઢી કલાક ચાલી હતી. અને તેમાં નાણા વિભાગ સંબંધિત પણ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નાણા વિભાગનો પ્રભાર અજીત પવાર પાસે છે. કહેવાય કે અંતિમ સમયમાં કોઈપણ પરિપત્ર જાહેર કર્યા વગર મીટિંગમાં તાત્કાલિક ધોરણે અનેક પ્રસ્તાવો રાખવાથી ડેપ્યુટી CM અજીત પવાર નારાજ હતા. નાણા મંત્રાલયે ઘણા મુદ્દા પર વાંધો પણ ઉઠાવ્યો હતો જે કેબિનેટમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રકારની મીટિંગ છોડીને અજિત પવાર જતા રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. જો કે એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી આ મીટિંગમાં ભાજપ નેતા અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છેલ્લે સુધી હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે થોડા દિવસોથી એકનાથ શિંદેની શિવશેના અને અજીત પવારની NCP વચ્ચે ઘર્ષણ જોવા મળતું રહે છે. કારણ કે મહારાષ્ટ્રમાં લોન્ચ થયેલી લાડકી બહેન યોજનાની ક્રેડીટ બંને પાર્ટી લેવા માંગે છે એટલા માટે આ યોજના સંબંધિત શિવસેનાના કાર્યક્રમના પોસ્ટરમાં અજીત પવારનો ફોટો ગાયબ હોય છે અને આ જ રીતે NCPના કાર્યક્રમના પોસ્ટરમાં એકનાથ શિંદેનો ફોટો ગાયબ હોય છે.
ઉલ્લેખનીય છે કે ચુંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં થયેલી મોટી મોટી ઘોષણાઓથી રાજય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. છેલ્લા બજેટમાં સરકારે 96 હાજર કરોડની ઘોષણા કરી હતી જેમાં 48 હજાર કરોડ લાડકી બહેન યોજનાને ફાળવવામાં આવ્યા હતા. આવી જ રીતે સરકારી કર્મચારીની મહત્તમ ગ્રેચ્યુટી 14 લાખથી વધારીને 20 લાખ કરી દીધી છે.
ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં SC કમીશનને બંધારણીય દરજ્જો આપવા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. તેવી જ રીતે OBC કેટેગરીમાં શિષ્યવૃતિ વગેરે માટે ક્રીમીલેયરની મર્યાદા 8 લાખથી વધારી 15 લાખ કરવામાં આવે તેવી કેન્દ્રને વિનંતી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp