ફડણવીસે આપેલુ મહારાષ્ટ્રમાં ભાજપની હારનું કારણ જાણી અજીતને થઇ શકે છે ટેન્શન
લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકશાન સહન કરવું પડ્યું હતું. ભાજપને સૌથી વધુ મત મળવા છતાં સીટની સંખ્યામાં કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીથી પછડાટ મળી હતી. BJP ના નબળા પ્રદર્શન માટે RSS એ અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથેના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું હતું. હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ આવું કંઇક જ કહી રહ્યા છે, પણ થોડી જુદી રીતે. તમને જણાવી દઈએ કે સત્તારૂઢ ગઠબંધનમાં ભાજપ, NCP અને એકનાથ શિંદેની શિવસેના શામિલ છે. જે લોકસભા ઈલેક્શન 2024માં મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી 17 જીતવામાં સફળ થયા હતા, જેમાં ભાજપે 9 સીટ જીતી હતી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે વર્ષ 2024ના લોકસભાની ચૂંટણીમાં NCP (અજીત પવાર)ના મત ટ્રાન્સફર ન થવાના કારણે ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપના ‘કોર મતદાતાઓ’ ને NCP સાથેનું ગઠબંધન પસંદ આવ્યું ન હતું. જો કે હવે 80 ટકા કાર્યકર્તા આ ગઠબંધનની જરૂરિયાતને સમજી ગયા છે.
મીડિયા સાથે વાત કરતા ભાજપના નેતાએ કહ્યું કે “તે સાચું છે કે ગયા ઈલેક્શનમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનું BJPનું સૌથીં ખરાબ પ્રદર્શન રહ્યું. ભાજપ 28 બેઠકો પર ચુંટણી મેદાનમાં હતી અને તેમાંથી 9 બેઠકો જીતી હતી. જો કે તેમાંથી અમે 12 બેઠકો ફક્ત ૩ ટકા મત એટલે કે 3000-6000 ના મતોથી હાર્યા છીએ. અને એ પણ યાદ રાખવું જોઈએ કે લોકસભા ચુંટણી 2024માં અમને (ભાજપને) સૌથી વધુ મત મળ્યા છે.
ફડણવીસે કહ્યું કે ભાજપને સહયોગી પાર્ટી એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની NCP કરતા વધુ બેઠકો મળી છે. વધુમાં તેને કહ્યું કે તે બંને પાર્ટી તૂટીને બનેલી પાર્ટીઓ હતી, એટલે તે એક પ્રકારે નવી જ પાર્ટી હતી. “તે બન્ને પાર્ટી માટે લોકસભાનું ઈલેક્શન તેના મતદારોનો આધાર તૈયાર કરવા માટેનું હતું. જે બંને પાર્ટી માટે થોડું મુશ્કેલ હતું’ તેની તુલનામાં અમારી માટે તે કામ સરળ હતું કેમ કે અમારા મતદારોનો આધાર નક્કી થઇ ગયેલો છે.” વધુમાં તેમને કહ્યું કે લોકસભાની ચુંટણીમાં અમારાથી જે ભૂલો થઇ હતી તે વિધાનસભાની ચુંટણીમાં રીપીટ કરવામાં આવશે નહીં.
વોટ ટ્રાન્સફર ન થયા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે શિવસેના માટે તેના મત ટ્રાન્સફર કરવા સરળ હતું, કારણ કે બંને પાર્ટીઓનું ગઠબંધન વર્ષો જુનું છે. જયારે અમે હંમેશા NCPની વિરુદ્ધમાં જ ચુંટણીઓ લડ્યા છીએ. એટલા માટે તેના મત ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ હવે બંને પાર્ટીના મતદાતાનો આધાર નક્કી થઇ ચુક્યો છે.”
ફડણવીસે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ભાજપના મૂળ મતદારોને NCP સાથેનું ગઠબંધન પસંદ આવ્યું ન હતું. વધુમાં તેમણે કહ્યું કે રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 80 ટકા જેટલી ચર્ચાઓ સમાપ્ત થઇ ગઈ છે. તેમને કહ્યું કે કોઈપણ ધારણા કરતા જીતવાની ક્ષમતા વધુ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી નવેમ્બર 2024માં યોજાય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp