PMના નેતૃત્વમાં સરકારે નાના ખેડૂતોને કેન્દ્રમા રાખી અર્થતંત્ર મજબૂત બનાવ્યુઃ શાહ

PC: twitter.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL) દ્વારા આયોજિત 'સહકારી સંસ્થાઓ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન' વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. પોતાનાં સંબોધનમાં અમિત શાહે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે અમૃત મહોત્સવનાં વર્ષમાં PM નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત ઘણાં લક્ષ્યોમાંથી એક કુદરતી ખેતી છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે આપણે ઘણા મોરચે કામ કરવું પડશે અને તેમની વચ્ચે સંકલન કરીને આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે ભારતમાં કુદરતી ખેતીને 50 ટકાથી ઉપર લઈ જવાનું લક્ષ્ય બહુ-પરિમાણીય અભિગમ વિના હાંસલ કરી શકાતું નથી અને આજે પૂર્ણ થયેલાં આ ત્રણ કાર્યો આ લક્ષ્ય હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે ભારત માટે આ ખૂબ જ સંતોષની બાબત છે કે આજે આપણે માત્ર કૃષિ પેદાશોનાં ક્ષેત્રમાં આત્મનિર્ભર જ નથી પરંતુ આપણે પુરાંત છીએ અને આપણે આ યાત્રાનું મૂલ્યાંકન કરવું પડશે. અમિત શાહે કહ્યું કે ઉત્પાદન વધારવા માટે ખાતર અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગનાં ખરાબ પરિણામો આજે આપણી સામે આવવાં લાગ્યાં છે. તેમના વધુ પડતા ઉપયોગથી માત્ર ફળદ્રુપતામાં ઘટાડો થયો છે, જમીન અને પાણી પ્રદૂષિત થયું છે એટલું જ નહીં પરંતુ તેનાથી ઘણા રોગો પણ થયા છે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લાં 5-6 વર્ષમાં દેશના લાખો ખેડૂતોએ કુદરતી ખેતી અપનાવી છે અને આવા ખેડૂતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને ગ્રાહકો બંને માટે યોગ્ય પ્રમાણપત્ર વિના સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 11 જાન્યુઆરી, 2023ના રોજ રાષ્ટ્રીય સહકારી ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL)ની રચનાને મંજૂરી આપી હતી.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશભરમાં કુદરતી ખેતી કરતા તમામ ખેડૂતોને એક મંચ પ્રદાન કરવા અને તેમનાં ઉત્પાદનોનાં માર્કેટિંગની વ્યવસ્થા કરવા માટે નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે ભારત ઓર્ગેનિક્સનાં 6 ઉત્પાદનો પણ બજારમાં લૉન્ચ કરવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું કે આગામી દિવસોમાં ભારત ઓર્ગેનિક્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક ઓર્ગેનિક બજારમાં પણ સૌથી વિશ્વસનીય અને સૌથી મોટી બ્રાન્ડ બની જશે. તેમણે કહ્યું કે આપણો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે જ્યારે સહકારી સંસ્થાઓ અને ખેડૂતોને યોગ્ય મંચ મળે છે, ત્યારે આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, આજે લૉન્ચ કરવામાં આવેલી 6 પ્રોડક્ટ્સ સહિત કુલ 20 પ્રોડક્ટ્સ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લૉન્ચ કરવામાં આવશે અને તેનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેનો લાભ મળવાનું શરૂ થશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે દેશના નાના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. તેમણે કહ્યું કે જો તમામ ખેડૂતો સહકારી મંડળીઓ દ્વારા કુદરતી ખેતી સાથે જોડાય તો આપણે PM નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલાં 4 લક્ષ્યો હાંસલ કરી શકીશું એટલે કે દરેક નાગરિક સ્વસ્થ હોવો જોઈએ, જમીન સુરક્ષિત હોવી જોઈએ, પાણી સુરક્ષિત હોવું જોઈએ અને આપણા ખેડૂતો સમૃદ્ધ હોવા જોઈએ.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે આપણા દેશમાં, કરોડો પશુપાલકો દરરોજ વ્યાવસાયિક રીતે ગાયનાં છાણનું ઉત્પાદન કરે છે. તેનો વ્યાવસાયિક ઉપયોગ એક મોટી ક્રાંતિ લાવી શકે છે અને ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો કરી શકે છે. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (એન.ડી.ડી.બી.) સોઇલ લિમિટેડની વેબસાઇટ અને વારાણસી બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પાદિત જૈવિક ખાતરનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. દેશમાં જમીન સંરક્ષણ, કુદરતી ખેતી અને ખેડૂતોની આવક વધારવા માટે છાણનો ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું કે એનડીડીબી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એસ.એફ.સી.)એ પણ ઉચ્ચ ગુણવત્તાની ગાયનાં છાણ માટે બ્રાન્ડની નોંધણી કરાવી છે. તેમણે વારાણસીમાં 4000 ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતો ગાયનાં છાણનો ગેસ પ્લાન્ટ પણ સ્થાપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી દ્વારા સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે સહકારી સંસ્થાઓને મજબૂત કરવાના પ્રયાસોને કારણે દેશનાં ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર, નાના અને સીમાંત ખેડૂતો, 8 લાખથી વધુ નોંધાયેલી સહકારી મંડળીઓ અને દેશના 90 ટકા લોકો સહકારી ચળવળમાં જોડાયા છે. તેમણે કહ્યું હતું કે, કુદરતી ખેતીથી ખાતરની માગમાં ઘટાડો થશે અને ખાદ્યાન્નનું ઉત્પાદન પણ વધશે. તેમણે કહ્યું કે જેટલી વહેલી તકે આપણે આ નવી શરૂઆતને આત્મસાત કરીશું, તેટલો જ આપણો દેશ કૃષિનાં ક્ષેત્રમાં આગળ વધશે અને આ માટે મોદી સરકારે ઘણી પહેલ કરી છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ દેશભરની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ), ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (એફપીઓ) અને પ્રગતિશીલ ખેડૂતોને એનસીઓએલ સાથે જોડાવા, 'ભારત બ્રાન્ડ' ને મજબૂત કરવા અને આ બ્રાન્ડ દ્વારા પોતાને પણ સમૃદ્ધ બનાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં કુદરતી ખેતી સાથે સંકળાયેલા દરેક ખેડૂતે નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડમાં જોડાવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ભારત અને વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનોમાંથી જે પણ નફો થાય છે, તે સીધો જ ખેડૂતોનાં બૅન્ક ખાતામાં જમા થવો જોઈએ. લઘુતમ ટેકાના ભાવ (એમ. એસ. પી.)થી ઉપર મળેલી કિંમતના 50 ટકા પ્રતિ કિલોગ્રામના આધારે સીધા જ ખેડૂતોનાં બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમિત શાહે કહ્યું કે મોદી સરકારે નિર્ણય લીધો છે કે વર્ષ 2024 સુધીમાં 25,000થી વધુ સભ્યો એન.સી.ઓ.એલ. મા જોડાશે અને આ સંસ્થાએ ઓર્ગેનિક ખેડૂતોનો ડેટાબેઝ બનાવવાનું કામ પણ શરૂ કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'ભારત બ્રાન્ડ'ની શરૂઆત પછી ભારત આગામી 10 વર્ષમાં વૈશ્વિક ઓર્ગેનિક બજારમાં ખૂબ જ મજબૂત રીતે ઊભું રહેશે.

અમિત શાહે કહ્યું કે લાંબા ગાળાની બજાર યોજના બનાવવા માટે દેશના દરેક જિલ્લા અને તાલુકામાં નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (એન.પી.ઓ.પી.) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં કુલ 246 પ્રયોગશાળાઓ છે, જેમાંથી 147 ખાનગી અને 99 સરકારી છે, પરંતુ તેમાંથી માત્ર 34 પ્રયોગશાળાઓને એન.પી.ઓ.પી. દ્વારા માન્યતા આપવામાં આવી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ સરકારી અભિગમ સાથે સરકારે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) અને અન્ય સરકારી સંસ્થાઓના સહયોગથી આગામી વર્ષ સુધીમાં આશરે 100 મોબાઈલ પ્રયોગશાળાઓ અને 205 લૅબોરેટરીઝ સ્થાપવાનો નિર્ણય લીધો છે. તેનાથી 300 પ્રયોગશાળાઓ વધશે અને દેશના લગભગ દરેક જિલ્લાને આવરી લેવામાં આવશે, જેનાં કારણે જમીન અને ઉત્પાદનોની ચકાસણી અને પ્રમાણપત્ર પણ કરી શકાય છે. આમ, આગામી વર્ષ સુધીમાં દેશભરમાં 439 પ્રયોગશાળાઓ હશે, જે ખેડૂતોને તેમનાં ઉત્પાદનોને પ્રમાણિત કરવામાં અને રાષ્ટ્રીય સહકારી ઓર્ગેનિક્સ લિમિટેડને પણ પ્રમાણિત ઉત્પાદનોની ખરીદી કરવામાં ઘણી સુવિધા પૂરી પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp