ભાજપે પહેલીવાર વોટ્સએપ પ્રમુખની નિમણૂક કરી, જાણો શું હશે જવાબદારી

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટી (BJP) એ મધ્યપ્રદેશમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે નવી પહેલ કરી છે. પાર્ટીએ પહેલીવાર વોટ્સએપ પ્રમુખની નિમણૂક કરી છે. જેનો હેતુ બૂથ સ્તર સુધી પહોંચવાનો છે. પાર્ટીની વિચારધારા અને સરકારી યોજનાઓની માહિતી ડિજિટલ માધ્યમથી પહોંચાડવામાં આવશે. ભોપાલના રામકુમાર ચૌરસિયાને રાજ્યના પહેલા વોટ્સએપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશના ભાજપ સંગઠનના અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વખાણ કરી ચૂક્યા છે. ટેક્નોલોજીના આ યુગમાં સગઠનને વધારે મજબૂત બનાવવા માટે ભાજપે પહેલીવાર વોટ્સએપ પ્રમુખની કામગીરી શરૂ કરી છે અને મધ્ય પ્રદેશમાં પહેલો વોટ્સએપ પ્રમુખ પણ બનાવી દેવાયો છે.

મધ્ય પ્રદેશમાં પહેલા વોટ્સએપ પ્રમુખ બનેલા રામકુમાર ચૌરસિયા ભોપાલના વતની છે અને ખાનગી કંપનીમાં જોબ કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં રામકુમારે કહ્યું કે, તેમણે MSC સુધી અભ્યાસ કર્યો છે. રામકુમારે કહ્યુ કે તે મૂળ રાયસેન જિલ્લાનો વતની છે, પરંતુ 30 વર્ષથી ભોપાલમાં રહે છે.

ભાજપમાં તેમનો બૂથ નંબર 223 છે. રામકુમારના કહેવા પ્રમાણે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમના કારણે તેમનો ઝુકાવ ભાજપ તરફ આવ્યો છે. રામકુમારે કહ્યું કે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ જે રીતે યુવાનોમાં દેશ પ્રત્યેની લાગણી સમગ્ર વિશ્વમાં જાગી છે અને જે રીતે આજે દુનિયા ભારત તરફ નજર રાખી રહી છે, તેનાથી મને ગર્વની લાગણી થાય છે અને એટલા માટે જ હું ભાજપ સાથે જોડાયો છું.

રામકુમારે કહ્યું કે ભાજપે મને રાજ્યનો પ્રથમ વોટ્સએપ પ્રમુખ બનાવ્યો છે. હું વોટ્સએપ દ્વારા મારા બૂથના તમામ મતદારો સુધી પાર્ટીની વિચારધારા અને સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશ.

સંગઠન ચૂંટણીની તૈયારીઓ શરૂ કરતી વખતે તાજેતરમાં જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ ભોપાલના વોર્ડ-80થી પેજ પ્રમુખ બનીને બૂથ સંગઠન પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપે દરેક બૂથ પર 12 અધિકારીઓનું માળખું તૈયાર કર્યું છે, જેને સમગ્ર રાજ્યના તમામ 65,015 બૂથ પર લઈ જવામાં આવશે.

સૌથી પહેલા દરેક બૂથ પર એક બૂથ પ્રમુખ હશે. ત્યારબાદ બૂથ મંત્રી, BLA-2 જેઓ પાર્ટીના કાર્યકર હશે. જે જવાબદારીઓ આપવામાં આવી રહી છે તેમાં વોટ્સએપ પ્રમુખ, મન કી બાત પ્રમુખ, હિતગ્રહી પ્રમુખ, પેજ પ્રમુખ  વગેરે હશે. સંગઠનમાં મહિલાઓની ભાગીદારી પણ વધે તે માટે દરેક બૂથમાં 12 લોકોની કાર્યકારી સમિતિમાં ત્રણ મહિલાઓ હોવી ફરજિયાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp