MPમાં કોંગ્રેસની સરકાર ઉથલાવવામાં જેમનો મોટો ફાળો હતો તેની જ BJPએ ટિકીટ કાપી

PC: .facebook.com/munnalal.goyal

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે અને ભાજપ જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે તેમાં ઉમેદવારોની નારાજગી સામે આવી રહી છે. જબલપુરમાં એક સંભવિત ઉમેદવારને બદલે અન્ય ઉમેદવારને ટિકીટ આપી દેતા ભાજપના કાર્યકરોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ધક્કે ચઢાવ્યા હતા અને તેમના સિક્યોરીટી સાથે મારામારી કરી હતી. પરંતુ ભાજપે એક એવા ઉમેદવારની ટિકીટ કાપી છે,જેણે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકારને ઉથલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને જ્યોતિરાદિત્યની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા હતા. સિંધિયાના આ ખાસને ટિકીટ નહીં મળવાને કારણે પણ ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી છે.

ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશમાં તેના બાકીના ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા બાદ અનેક જગ્યાએ વિવાદ અને હંગામો જોવા મળ્યો છે. વાસ્તવમાં ભાજપે અનેક નેતાઓની ટિકિટો પર કાતર ફેરવી છે. ભાજપે ગ્વાલિયરમાં પૂર્વ મંત્રી માયા સિંહને ટિકિટ આપી છે, જેનો ભાજપ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં પાર્ટીએ મુન્નાલાલ ગોયલની ટિકિટ કાપી નાંખતા સંધિયા સમર્થકો નારાજ છે. ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે સિંધિયાના સમર્થકોએ જયવિલાસ પેલેસને ઘેરી લીધો અને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નારાજ સમર્થકોને શાંત કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કાર્યકરોને શાંત પાડવાના પ્રયાસો ચાલુ છે.

ગ્વાલિયર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય મુન્નાલાલ ગોયલ ભાજપના પ્રબળ દાવેદાર હતા. વર્ષ 2018માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે જીત નોંધાવી હતી. પરંતુ જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથનો વિરોધ કર્યો અને સરકારને ગબડાવી ત્યારે મુન્નાલાલ ગોયલે પણ કોંગ્રેસ સરકારને પતન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2020માં થયેલી પેટાચૂંટણીમાં ગોયલ ફરી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની કોંગ્રેસના ઉમેદવાર સામે હાર થઇ હતી.

જોકે, હાર બાદ પણ તેમને રાજ્ય બીજ અને ખેતી વિકાસ નિગમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 2020ની પેટાચૂંટણીમાં હારી જવા છતાં મુન્નાલાલ ગોયલ તેમના વિસ્તારમાં ભાજપના કાર્યકરોમાં ખૂબ સક્રિય હતા. તેમણે સંસ્થાના કાર્યક્રમોમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું. આવી સ્થિતિમાં ભાજપના સમર્થકો અને તેમના સમર્થકોને વિશ્વાસ હતો કે ભાજપ ગ્વાલિયર ક્ષેત્રમાંથી ગોયલને જ ટિકિટ આપશે, પરંતુ ભાજપે ગ્વાલિયરમાં માયા સિંહને ટિકીટ આપી દીધી. જેને કારણે મધ્ય પ્રદેશમાં ભારે હંગામો મચી ગયો છે.

મધ્ય પ્રદેશમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું જાણકારો માની રહ્યા છે, કારણકે સિંધિયાના સમર્થક અનેક નેતાઓ અને કાર્યકરો ફરી કોંગ્રેસમાં આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp