BJP સાંસદનો આરોપ, સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં સવાલ પૂછવા લીધી રિશ્વત

PC: outlookindia.com

ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર કેશ-ગિફટ લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર આરોપ લાગ્યો છે કે તેમણે અદાણી ગ્રુપને નિશાનો બનાવવા માટે પૈસા લઈને સવાલ પૂછ્યા છે. ઝારખંડમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસસભા સ્પીકરને ચિઠ્ઠી લખીને આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઇત્રાએ કેશ-ગિફ્ટ માટે સંસદમાં સવાલ પૂછ્યા હતા. બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસે લાંચ લઈને આ સવાલ પૂછવામાં આવ્યા હતા. મહુઆ મોઇત્રાએ અદાણી ગ્રુપ વિરુદ્ધ સવાલ સંસદમાં પૂછ્યા અને દર્શન હીરાનંદાનીને લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે. તેમણે એડવોકેટ જય અનંત દેહાદ્રીની ચિઠ્ઠીના આધાર પર આ ફરિયાદ કરી છે. તો આ આખા મામલે મહુઆ મોઇત્રાએ કહ્યું કે, તેઓ કોઈ પણ પ્રકારની તપાસનું સ્વાગત કરે છે. આરોપ છે કે, સવાલ પૂછવાના બદલે હીરાનંદાનીએ મહુઆ મોઇત્રાને કેશ અને ગિફ્ટ આપ્યા હતા. દર્શને વર્ષ 2019ની ચૂંટણી લડવા માટે મહુઆ મોઇત્રાને 75 લાખ રૂપિયા આપ્યા હતા. દર્શને મહુઆ મોઇત્રાને મોંઘા iPhone પણ આપ્યા હતા.

દર્શને મહુઆ મોઇત્રાને ફાળવેલા સરકારી આવાસનું રિપેરિંગ કરાવ્યું હતું. આરોપમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મહુઆ મોઇત્રાએ દર્શનને પોતાનું લોકસભા અકાઉન્ટનું એક્સેસ આપ્યું હતું. સવાલ અથવા તો દર્શને પોતે પોસ્ટ કર્યા કે દર્શનના કહેવા પર મહુઆ મોઇત્રાએ પોસ્ટ કર્યા હતા. વર્ષ 2019-2023 વચ્ચે પૂછવામાં આવેલા 61 સવાલોમાંથી 50 સવાલ હીરાનંદાનીના કહેવામાં પર પૂછ્યા હતા. કેશના બદલે સવાલ IPCની કલમ 120(A) હેઠળ ગુનો છે. એ હેઠળ અગાઉ પણ ઘણા સાંસદોની સભ્યતા ગઈ છે. ભાજપના સાંસદે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ કમિટી બનાવવાની માગ કરી છે.

તપાસ કમિટીનો રિપોર્ટ આવવા સુધી મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. નિશિકાંત દુબેએ એડવોકેટ જય અનંત દેહાદ્રીની ચિઠ્ઠીના આધાર પર આ ફરિયાદ કરી છે. વર્ષ 2021માં દર્શને મહુઆ મોઇત્રાને 2 કરોડ રૂપિયા આપ્યા. 2 કરોડ રૂપિયા ઇન્ટરનેશનલ મીડિયામાં અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાનો બનાવવા માટે આપવામાં આવ્યા હતા. જુલાઇ 2019માં દર્શનના PAએ મહુઆ મોઇત્રાના ઘરે અદાણી વિરુદ્ધ ડોઝિયર પહોંચાડ્યો. અદાણી પર મહુઆ મોઇત્રાના આરોપોની ઝલક હિંડબર્ગ રિપોર્ટમાં પણ દેખાય છે. સવાલ વડાપ્રધાન મોદી અને અદાણી ગ્રુપને ટારગેટ કરવા માટે પૂછવામાં આવ્યા હતા. આ સવાલ હીરાનંદાનીના હિતો સાથે જોડાયેલા હતા.

કોણ છે દર્શન હીરાનંદાની?

દર્શન હીરાનંદાની રિયલ એસ્ટેટના મોટા બિઝનેસમેન નિરંજન હીરાનંદાનીના પુત્ર અને રિયલ એસ્ટેટ બિઝનેસ હીરાનંદાની ગ્રુપના થનારા CEO છે. એનર્જી, શિક્ષણ અને હેલ્થકેરમાં પણ તેમના બિઝનેસ છે. નવેમ્બર 2017: પેરાડાઇઝ પેપરમાં તેમની વિરુદ્ધ આરોપ લાગ્યા હતા. એક ન્યૂઝ ચેનલે આ મુદ્દા પર હીરાનંદાની સાથે વાત કરી તો તેમના પ્રવક્તાએ કહ્યું કે આ આરોપ ખોટા છે. અમે બિઝનેસ કરીએ છીએ, રાજનીતિ નહીં. અમે દેશની ભલાઈ માટે સરકાર સાથે મળીને કામ કરીએ છીએ અને કરતા રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp