ભાજપ કાર્યકરોએ બટેટા આપીને કહ્યું, ગોલ્ડ આપો, રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કથિત રીતે એવું કહેતા હતા કે એક તરફ બટાટા નાંખો તો બીજી તરફ સોનું નિકળે. આ વાતને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની યાત્રા જ્યારે મધ્ય પ્રદેશ પહોંચી તો ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને બટાટા આપ્યા હતા અને કહ્યું કે, આમાંથી સોનું કાઢી આપો. રાહુલ ગાંધીએ આનો જવાબ આપ્યો હતો.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આ દિવસોમાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે યાત્રા શાજાપુર જિલ્લામાં પહોંચી ત્યારે રાહુલ ગાંધી ખુલ્લી જીપમાં સવાર હતા. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલા ભાજપના કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે રાહુલ ગાંધીએ બીજેપી કાર્યકર્તાઓને જોયા તો તેમણે કાફલાને રોક્યો હતો અને જીપમાંથી નીચે ઉતરીને સીધા તેમની પાસે ગયા અને તેમની સાથે હાથ મિલાવવા લાગ્યા. ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીને આપવા માટે બટાટા લઈને આવ્યા હતા અને બદલામાં સોનાની માંગણી કરવા લાગ્યા હતા. બીજેપી કાર્યકર્તાઓની આ માંગ પર રાહુલ ગાંધી હસ્યા અને ફ્લાઈંગ કિસ આપવા લાગ્યા અને પછી પોતાની જીપમાં બેસી ગયા હતા.
રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે, જેમાં રાહુલ ગાંધી કથિત રીતે એક બાજુથી બટાટા નાખવાની અને બીજી બાજુથી સોનું કાઢવાની વાત કરતા જોવા મળે છે. જો કે, આ વીડિયોને લઈને કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે BJP IT સેલ વીડિયોને એડિટ અને શેર કરે છે.
આ વાયરલ વીડિયોને લઈને ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને બટાટા આપ્યા અને તેમની પાસે સોનાની માંગણી કરવા લાગ્યા. બટાટા લેતી વખતે રાહુલ ગાંધીએ હસીને ભાજપના કાર્યકરોને કહ્યું કે બટાટા આપતી વખતે ગભરાશો નહીં.. આ પછી રાહુલ ગાંધીએ બટાટા લીધા અને બદલામાં તેમણે તમામ ભાજપના કાર્યકરો સાથે હાથ મિલાવ્યા અને તેમને ફ્લાઈંગ કિસ આપી હતી.
આ દરમિયાન મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, કમલનાથ સહિત પાર્ટીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. શાજાપુર બાદ રાહુલ ગાંધી ઉજ્જૈન જશે જ્યાં હવેથી થોડા સમય બાદ તેઓ મહાકાલના દર્શન કરશે.
રાહુલ ગાંધીની ઉજ્જૈનની મુલાકાત અંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, ઉજ્જૈન ભગવાનના દર્શન કરવા માટેનું શહેર છે. હું તેમને ભગવાનના દર્શન કરવા માટે શુભેચ્છા પાઠવું છું. ભગવાન તેમને સદબુદ્ધિ આપે, રાહુલ ગાંધી પશ્ચાતાપ કરે તે તેમની પાર્ટીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કેમ નકાર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp