G-20 બેઠક પહેલા બ્રિટને એવી વાત કરી કે, ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો લાગી શકે

PC: scroll.in

G-20 શિખર સંમેલનમાં ભારત અને બ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિશે એટલે કે મૂક્ત વ્યાપાર પર વાત કરી શકે છે. પરંતુ આ કરારને લઈને બ્રિટન તરફથી કડક ટિપ્પણીઓ આવી રહી છે, જેને જોતા એવું લાગે છે કે કરારમાં વિલંબ થઈ શકે છે. ગુરુવારે, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે બ્રિટનની કડક ઇમિગ્રેશન નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં. બ્રિટનના આ નિર્ણયથી બ્રિટનમાં અભ્યાસ માટે જનારા ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો લાગે તેવી સંભાવના છે.

એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આ વર્ષમાં થઇ શકે છે. કારણકે બંને દેશો સમાધાનની વ્યાપક રૂપરેખા પર સંમત છે. જો કે, કેટલાંક એવા મુદ્દા છે જેની પર બંને દેશો વચ્ચે સંમતિ બની શકી નથી. હવે બ્રિટન તરફથી આવેલી ટિપ્પણી જોતા મામલો જટિલ બની શકે છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ PM સુનકના પ્રવક્તાએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી એવું માને છે કે બ્રિટનમાં વિદેશથી આવનારા લોકોની જે સંખ્યા છે, તે ખાસ્સી વધારે છે. અમે ચોખવટ કરવા માંગીએ છીએ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે પ્રવાસ નીતિ,જેમાં સ્ટુડન્ટ વિઝા પણ સામેલ છે, તેમા કોઇ બદલાવ કરવામાં આવશે નહીં.

આ પહેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સમક્ષ મુક્ત વેપાર સમજૂતી અંગે શરત મૂકી હતી. મંગળવારે તેમની ટોચની ટીમને સંબોધતા PM સુનકે કહ્યું હતું કે બ્રિટન ભારત સાથે મુક્ત વેપાર સોદો ત્યારે જ કરશે જો તેનાથી સમગ્ર બ્રિટનને ફાયદો થશે.

ભારત બ્રિટનની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ખુબજ મહત્ત્વનો માને છે, કારણ કે ભારતનું લક્ષ્ય બ્રિટનના એક મોટા નિકાસકાર બનવાનું છે. તો બીજી તરફ બ્રિટન પણ યુરોપીય સંઘમાંથી બહાર નિકળ્યા પછી પોતાના બિઝનેસ તકોનો વિસ્તાર કરવા માંગે છે. બ્રિટન- ભારત વચ્ચે જો ફ્રી ટ્રેડ ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો બ્રિટનને પોતાની વ્હીસ્કી, પ્રીમિયમ કાર અને લીગલ સેવા માટે ભારતમાં મોટો અવસર મળી શકે છે.

બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ઉત્ત્પતિના નિયમો અને રોકાણ સંધિઓ જેવા મુદ્દાઓ પર હજુ સંમત થવાનું બાકી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેમ્પેઈનર્સે બ્રિટનને કહ્યું છે કે તે તેમાં એવી કોઈ જોગવાઈની માગણી ન કરે કે જેનાથી ભારતનો જેનરિક દવા ઉદ્યોગ નબળો પડી શકે અને તેને વધુ ખર્ચાળ બની જાય.

ભારતના નાણા મંત્રી નિર્મલા સિતારમણે ગયા મહિને કહ્યુ હતું કે બ્રિટન સાથે ટુંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે.

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે 12 વખત બેઠક મળી છે. છેલ્લી બેઠક 13 ઓગસ્ટે મળી હતી. આ વર્ષના મે મહિનામાં PM સુનક જાપાનમાં આયોજિત G-7 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તે વખતે પણ બંને નેતાઓએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરી હતી.

ભારત અને બ્રિટનના દ્વિપક્ષીય વેપારની વાત કરીએ તો વર્ષ 20211માં 17.5 અરબ ડોલરનો બિઝનેસ હતો, જે વર્ષ 2022-23માં વધીને 20.35 અરબ ડોલર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp