ભાજપ નેતાના હાથ કાપનારાના ઘરે બુલડોઝર ફરી વળ્યું, MPના નવા CMનું પહેલું એક્શન

PC: aajtak.in

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકેની કમાન સંભાળ્યા પછી ડો. મોહન યાદવે પહેલું એક્શન લઇ લીધું છે જે ભારે ચર્ચામાં આવી ગયું છે. ભાજપ નેતાના હાથ કાપનારા 5 આરોપીઓના 3 ઘરો પર બુલડોઝર ફેરવીને નવા મુખ્યમંત્રીએ સંદેશો આપી દીધો છે કે મધ્ય પ્રદેશને છંછેડશો તો બુલડોઝર ફરશે.

લાંબા સમય પછી મધ્યપ્રદેશને ભાજપના મોહન યાદવના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. મોહન યાદવે બુધવારે જ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે શપથ લીધા બાદ નવા મુખ્યમંત્રીએ એક પછી એક નિર્ણયો લીધા છે. હવે રાજ્યની જનતાને નવા મુખ્યમંત્રીનો બુલડોઝર અવતાર પણ જોવા મળ્યો છે. ગુરુવારે ભોપાલમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો જ્યાં ભાજપના કાર્યકરનો હાથ કાપી નાખનાર આરોપીના ઘરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોપાલમાં ભાજપના કાર્યકર દેવેન્દ્ર ઠાકુરના હાથ કાપી નાંખવાનો ફારૂખ રાઇન ઉર્ફે મિન્ની પર આરોપ છે. જેને લીધે મુખ્યમંત્રી બન્યા પછી ડો. મોહન યાદવે આરોપીના ઘરે ગુરુવારે બુલડોઝર ફેરવી દીધું હતું.

આ પહેલા મધ્ય પ્રદેશમાં જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની સરકાર હતી ત્યારે પણ કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવતી હતી.

ડો. મોહન યાદવે સત્તા સંભાળવાની સાથે અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે. તેમણે ઘાર્મિક સ્થળો સહિત અન્ય જગ્યાઓ પર ગેરકાયદેસર લાઉડસ્પીકરો પર પ્રતિબંધ મુકવાની પણ જાહેરાત કરી છે. સાથે જ જે કાયદેસર લાઉડસ્પીકરો છે તેમને પણ નક્કી કરેલા ડેસિબલની મર્યાદા અને નક્કી કરેલા સમયે જ સંચાલિત કરવાની શરતે પરવાનગી આપવામાં આવી છે.ઉપરાંત ખુલ્લામાં માંસ વેચવા પર પણ પ્રતિબંધ મુકતો આદેશ કરવામાં આવ્યો છે.

ભોપાલમાં આરોપીના ઘરે જે બુલડોઝર ફેરવવામાં આવ્યું તે વિશે ડિમોલિશન અધિકારીએ કહ્યું હતું કે, મકાનોના ગેરકાયદે હિસ્સાનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે, કારણકે બિલ્ડીંગ પરમિશન સહિત અનેક મંજૂરીઓ લેવામાં આવી નહોતી. ડિમોલિશન કરવમાં દોઢ કલાકનો સમય લાગ્યો હતો.

દેવેન્દ્ર સિંહ ઠાકુરના હાથ કાપી નાંખનારા 5 આરોપીઓની આ પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. 8 ડિસેમ્બરે ભોપાલના કલેક્ટર આશિષ સિંહે આરોપી રાઇન પર નેશનલ સિક્યોરીટી એક્ટ (NSA) લગાવ્યો હતો.

ડો. મોહન યાદવે મુખ્યમંત્રી બનતાની સાથેજ મધ્ય પ્રદેશમાં સડસડાટી બોલાવી દીધી છે અને આરોપીઓના ઘર પર બુલડોઝર ફરવાને કારણે ભારે ચર્ચામાં આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp