અજિત પવાર સાથે જોડાવવાના 8 મહિનામાં CBIએ પ્રફુલ્લ પટેલનો કેસ બંધ કરી દીધો

PC: facebook.com/ShriPrafulPatel

પૂર્વ કેન્દ્રીય એવિએશન મિનિસ્ટર પ્રફુલ્લ પટેલને રાહત મળી છે. અજિત પવાર સાથે જોડાવવાના 8 જ મહિનામાં CBIએ એર ઈન્ડિયા-ઈન્ડિયન એરલાઈન્સ મર્જર કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. મતલબ કે પ્રફુલ્લ પટેલ સામેની તપાસ હવે બંધ કરી દેવામાં આવી છે. જુલાઇ 2023માં પ્રફુલ્લ પટેલ શરદ પવાર સાથે છેડો ફાડીને અજિત પવારની NCPમાં જોડાયા હતા. અજિત પવારે મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદે સરકાર સાથે ગઠબંધન કરી લીધું હતું. પ્રફુલ્લ પટેલ સામે કેસ શું હતો તે વિશે તમને માહિતી આપીશું.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવ્યા મુજબ CBIએ 19 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન) પ્રશાંત કુમારની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. કોર્ટ આ મામલે 15 એપ્રિલે સુનાવણી કરશે.

આ કેસ નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની રચના કરવા એર ઈન્ડિયા-ઈન્ડિયન એરલાઈન્સના વિલીનીકરણ સાથે સંબંધિત છે, જેણે મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ભાડા પર આપ્યા હતા અને એરબસ અને બોઈંગ પાસેથી 111 એરક્રાફ્ટ ખરીદ્યા હતા. વિદેશી એરલાઇન્સને નફાખોરી કરવાના રૂટ આપવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થયા હતા. આ સાથે વિદેશી ઇન્વેસ્ટમેન્ટથી તાલીમ સંસ્થાઓ ખોલવામાં પણ ભ્રષ્ટાચાર કરવાનો આરોપ હતો.

EDએ મે 2019માં વિશેષ અદાલતને જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ વચેટિયા દીપક તલવારના નજીકના મિત્ર છે જેણે 2008-09 દરમિયાન ભારતમાં મંત્રીઓ અને ઉડ્ડયન કર્મચારીઓ સાથેની નિકટતાનો ઉપયોગ કરીને એર ઇન્ડિયાનો જે રૂટ હતો તે વધારે લાભ મેળવવા માટે ખાનગી એરલાઇન્સને આપી દીધો હતો.

દીપક તલવારને દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરી 2019માં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. વિલીનીકરણ દરમિયાન, પ્રફુલ્લ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે, આ કેસમાં મુખ્ય શકમંદોમાંના એક હતા અને CBI અને ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

CBIએ સુપ્રીમ કોર્ટના આદેશ પછી મે 2017માં 4 FIR નોંધી હતી. પહેલી જે FIR નોંધવાવામાં આવી હતી તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અન્ય 3 કેસોની હજુ તપાસ ચાલું છે.

29 મે 2017ના રોજ CBIએ આ મામલામાં પ્રથમ FIR નોંધી હતી. જેમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ આરોપીની જગ્યાએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અજાણ્યા અધિકારીઓ સાથે પ્રફુલ પટેલના નામનો ઉલ્લેખ કર્યો હતો. FIRમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના તત્કાલિન નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે અન્ય લોકો સાથે મળીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને મોટી સંખ્યામાં વિમાન ભાડે આપ્યા હતા.

આ પગલું યોગ્ય રૂટ અભ્યાસ, માર્કેટિંગ અને ભાવ વ્યૂહરચના વિના અપ્રમાણિક રીતે લેવામાં આવ્યું હતું.

FIR માં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે વિમાન અધિગ્રહણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓ સાથે કાવતરું રચીને વિમાન ભાડે આપવામાં આવ્યા હતા અને તેના કારણે ખાનગી કંપનીઓને નાણાકીય ફાયદો થયો હતો અને સરકારી તિજોરીને નુકસાન થયું હતું.

જો કે, પ્રફુલ્લે આ આરોપોને નકારતા તે વખતે કહ્યું હતું કે એ સમયે બધા નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવ્યા હતા.

FIRમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે National Aviation Compay India Limited (NACIL) એ મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ભાડે લીધા હતા. આ તે સમયે હતું જ્યારે એરલાઇન્સ લગભગ ખાલી ચાલી રહી હતી અને ભારે નુકસાન સહન કરી રહી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 15 મોંઘા પ્લેન ભાડે લેવામાં આવ્યા હતા જેના માટે NACIL પાસે પાઈલટ સુદ્ધા નહોતા. આ બધું ખાનગી પક્ષોને અપ્રમાણિક રીતે લાભ કરાવવાના હેતુથી આપવામાં આવ્યું હતું.

FIRમાં જણાવ્યા મુજબ, 2006માં ખાનગી પાર્ટીઓને ફાયદો પહોંચાડવા માટે એર ઇન્ડિયાએ પાંચ વર્ષના સમય માટે 4 બોઇંગ 777ને ડ્રાઇ લીઝ પર લીધા હતા જ્યારે જુલાઇ 2007માં તેમને પોતાના વિમાનોની ડિલીવરી મળવાની હતી. એનું પરિણામ એ આવ્યું કે 5 બોઇંગ 777 અને 5 બોઇંગ 737 બેકાર પડી રહ્યા અને 2007થી 2009ની વચ્ચે અંદાજે 840 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

CBI અને ED બંનેએ બીજી FIRમાં ચાર્જશીટ દાખલ કરી છે જે વચેટિયા દીપક તલવાર સાથે સંબંધિત છે. પ્રફુલ પટેલ સામે વધુ એક કેસની તપાસ ચાલી રહી છે. ED અંડરવર્લ્ડ ઈકબાલ મિર્ચી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં પ્રફુલ પટેલની પણ તપાસ કરી રહી છે. પ્રફુલ્લ પટેલની 2019 અને 2021માં આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.

પટેલે મિર્ચી પાસેથી મિલકતો ખરીદી હોવાના અહેવાલ છે, જેના પર વર્લીમાં CJ હાઉસ નામની ઇમારત બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp