પત્નીવ્રતા: ચૈતર વસાવાને જામીન તો મળી ગયા, પરંતુ પત્ની માટે હજુ જેલમાં જ રહેશે

PC: timesofindia.indiatimes.com

સરકારી કામકાજમાં અડચણ ઉભી કરવાના અને હવામાં ફાયરીંગ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે જામીન તો આપ્યા છે, પરંતુ પત્નીવ્રતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાં બંધ પોતાની પત્નીને સાથ આપવા માટે જેલમાં જ રહેવાનું નક્કી કર્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈચર વસાવાને ભરુચ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જામીન મળવા છતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કોર્ટની ઔપચારિકતા પુરી કરી નથી.

ગુજરાતના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આ આખા આદિવાસી પટ્ટામાં જબરદસ્ત હોલ્ડ છે. 2 નવેમ્બર 2023ના દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ડાઉન પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમની પત્ની શંકુતલા અને તેમના એક સહાયક સામે કેસ નોંધાયો હતો. તેમની સામે એવો આરોપ હતો કે આ ત્રણેય લોકોએ 30 ઓકટોબર 2023ના દિવસ વનકર્મી સાથે મારપીટ કરી હતી , હવા ફાયરીંગ કર્યું હતું અને વનકર્મી પાસેની રોકડ પણ ઝુંટલી લીધી હતી. આ કેસમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને હાલમાં મહારાષ્ટ્રના પ્રભારી તથા વકીલ ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં કરેલી દલીલ બાદ ડેડિયાપાડાની કોર્ટે ચૈતર વસાવાને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. જો કે કોર્ટે જામીન આપવા છતા જાણે ચૈતર વસાવાએ સાત જન્મોના સંબંધ નિભાવવા માટે કોર્ટની ઔચારિકતા પુરી કરી નહોતી અને પત્નીને સપોર્ટ આપવા જેલમાં જ બંધ રહેવાનું નક્કી કર્યું છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી, જેમાંથી એક બેઠક ડેડિયાપાડા છે. ડેડિયાપાડાથી ચૈતર વસાવા ધારાસભ્ય બનેલા છે. જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હજારોની સંખ્યામાં આદિવાસીઓના ટોળાંએ પોલીસ સ્ટેશન પર હલ્લો બોલાવ્યો હતો.

એ પછી 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ચૈતર વસાવાના મત વિસ્તારમાં જાહેર સભા કરી હતી. કેજરીવાલે જેલમાં ચૈતર વસાવાની મુલાકાત પણ કરી હતી. એ પછી જાહેરાત કરી હતી કે લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા AAPના ઉમેદવાર રહેશે.

ચૈતર વસાવાની બે પત્નીઓ છે અને તેમાંથી એક શંકુતલા અત્યારે જેલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp