અવળચંડુ ચીન LAC પર હેલીપેડ બનાવી રહ્યું છે, રસ્તાનું નેટવર્ક ઉભું કર્યું

PC: tfipost.com

સરહદ પર ચીન પોતાની અવળચંડાઇ ફરી બતાવી રહ્યું છે. અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોનના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને 2022માં ભારતને અડીને આવેલા LAC પર મોટા પાયે નિર્માણ કાર્ય હાથ ધર્યું હતું અને તેની સેનાની તૈનાતી પણ વધારી દીધી હતી.

રિપોર્ટ અનુસાર, ભારત સાથે વધતા તણાવ વચ્ચે ચીને નવા રસ્તાઓ, બંકરો, ડોકલામ નજીક પેંગોંગ લેક પર બીજો પુલ અને LAC પાસે ડ્યુઅલ પર્પઝ એરપોર્ટ અને કેટલાક હેલિપેડ બનાવ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી પૂર્વ લદ્દાખમાં અનેક કેન્દ્રો પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષને ઘટાડવા માટે, બંને પક્ષોએ વ્યાપક રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો પછી ઘણા વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા. આ બધાની વચ્ચે પેન્ટાગોને 'મિલિટરી એન્ડ સિક્યુરિટી ડેવલપમેન્ટ્સ ઇન્વોલ્વિંગ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના' નામનો એક રિપોર્ટ જાહેર કર્યો.

પેન્ટાગોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે LACપર સીમાંકન તેમજ પાયાના બાંધકામને લઈને અલગ-અલગ ધારણાઓને કારણે સંખ્યાબંધ અથડામણો થઈ છે જે સતત મડાગાંઠ ચાલુ રહી અને બંને દેશોએ પોતપાતોની સરહદો પર સૈનિકોનો ખડકલો કરી દીધો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ચીને LAC પર બાંધકામ ડેવલપમેન્ટ ચાલું રાખ્યુ હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને વર્ષ 2022માં એક બોર્ડર રેજિમેન્ટ તૈનાત કરી હતી અને તેની મદદ માટે શિનજિયાંગ અને તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના બે ડિવિઝન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે, ચાર સંયુક્ત આર્મ્ડ બ્રિગેડને પણ પશ્ચિમ સેક્ટરમાં LAC પર તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ સંયુક્ત આર્મ્સ બ્રિગેડ (CAB) પૂર્વ સેક્ટરમાં અને ત્રણ બ્રિગેડ સેન્ટ્રલ સેક્ટરમાં તૈનાત કરવામાં આવ્યા છે.ચીને મોટાભાગના સૈનિકો LAC પર ખડકી દીધા છે.

જૂન 2020 માં, ગલવાન ખીણમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જે 45 વર્ષમાં બંને દેશો વચ્ચેની સૌથી હિંસક અથડામણ હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે LAC નજીક વેસ્ટર્ન થિયેટર કમાન્ડ પીપલ્સ લિબરેશન આર્મી ( પીએલએ)ની તૈનાતી છે.

15 જૂન, 2020 ના રોજ ગલવાન ખીણમાં અથડામણ પછી દ્વિપક્ષીય સંબંધો તંગ બન્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે LAC પર ચીનના પશ્ચિમી થિયેટર કમાન્ડની તૈનાતી સંભવતઃ 2023 સુધી ચાલુ રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચેની વાતચીતમાં ન્યૂનતમ પ્રગતિ થઈ છે કારણ કે બંને પક્ષોએ સરહદ પર કથિત લાભ ગુમાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

ભારતનું કહેવું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય થવાની શક્યતા નથી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચીન પાસે 500થી વદારે ઓપરેશન પરમાણુ હથિયારો છે જે વર્ષ 2030 સુધીમાં 1000 પર પહોંચવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp