સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ જીતવાના નથી એવી ખબર છે, તો વિપક્ષની ચાલ શું છે?

PC: indiatoday.in

મણિપુર હિંસાને લઇને વિપક્ષે રસ્તાથી સંસદ સુધી સરકાર સામે મોર્ચો ખોલેલો છે. સંસદના ચોમાસા સત્રને શરૂ થયાને 6 દિવસ થઇ ગયા છે અને દરરોજ સંસદની કાર્યવાહીમાં હંગામો થઇ રહ્યો છે. બુધવારે કોંગ્રેસ અને  BRS તરફથી આ મામલે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં મહાસચિવના કાર્યાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ સિવાય તેલંગાણાની સત્તાધારી પાર્ટી BRSએ પણ અલગથી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

સંસદમાં સંખ્યાબળની દ્રષ્ટિએ જોઇએ તો અત્યારે મોદી સરકાર ખાસ્સી મજબુત સ્થિતિમાં જોવા મળી રહી છે, આમ છતા વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લઇને આવ્યા છે.  હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે સંસદમાં સંખ્યાબળ ન હોવા છતાં વિપક્ષ દ્વારા આ અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે લાવવામાં આવી રહ્યો છે? તેનું રાજકીય મહત્વ શું છે? વિપક્ષની કોઇ ચાલ છે? ચાલો એ વાત સમજીએ.

ભાજપના આગેનાની હેઠળની  NDA સરકાર પાસે અત્યારે લોકસભામાં કુલ 333 સાંસદ છે, તેમાંથી એકલા ભાજપના જ 301 સાંસદો છે. આખા વિપક્ષ પાસે લોકસભામાં કુલ 142  અને રાજ્યસભામાં 93 સાંસદ છે, જ્યારે રાજ્યસભામાં NDAના 105 છે. સંખ્યાબળની દ્રષ્ટ્રિએ બંને ગૃહોમાં સત્તાધારી પક્ષ મજબુત છે.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ કુમાર સિંહનું કહેવું છે કે, વિપક્ષ અત્યારે કોઇ પણ રીતે ચર્ચાના કેન્દ્ર બિંદુમાં રહેવા માંગે છે.સરકાર વિપક્ષ પર હાવી થઇ જાય તેવો કોઇ મોકો વિપક્ષ આપવા માંગતા નથી. વિપક્ષ લગાતાર માંગ કરી રહ્યા છે કે મણિપુર મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમાં નિવેદન આપે. તો બીજી તરફ સરકારે કહ્યું છે કે  ગૃહ મંત્રી અમિત શાહ મણિપુર મુદ્દે નિવેદન આપશે. એવામાં અવિશ્વાસ પ્રસ્તાવ એક એવો રસ્તો છે જેના માધ્યમથી વિપક્ષ PM મોદીને સંસદમાં બોલાવવા માંગે છે. વિપક્ષનો ટાર્ગેટ PM મોદીને ઘેરવાનો છે.

પત્રકારે આગળ કહ્યુ કે, અત્યારે આખા NDAનો એક જ ચહેરો છે અને તે છે પ્રધાનમંત્રી મોદી. એવામાં ભાજપ પણ એવું ઇચ્છતું નથી કે કોઇ પણ રીતે PM મોદી આવા કોઇ વિવાદમાં ફસાઇ જાય. એટલા માટે જ PM મોદીએ સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં મીડિયા સામે મણિપુર કાંડની નિંદા કરી અને સખત કાર્યવાહી કરવાની વાત કરી.

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો એક નિયમ છે. આ નિયમ 198 હેઠળ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. અવિશ્વાસને સંસદમાં રજૂ કરવા માટે 50 સાંસદોની જરૂર હોય છે. જો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન જો 51 ટકાથી વધારે સાંસદો જો તેના સમર્થનમાં મત આપે છે તો સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે. એવી સ્થિતિમાં સરકારે બહુમતી સાબિત કરવાની હોય  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp