હરિયાણામાં મોટી જીત છતા BJPને લાગ્યો ઝટકો? CMના 10માંથી 8 મંત્રી હાર્યા
આમ તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે, પરંતુ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના 10માંથી 8 મંત્રી અને સ્પીકર ચૂંટણી હારી ગયા છે, માત્ર 2 જ મંત્રી જીતી શક્યા. જે 8 મંત્રીઓની હાર થઇ તેમાં આ મંત્રીઓનો સમાવેશ થાય છે.
જ્ઞાનચંદ ગુપ્તા (સ્પીકર)- પંચકુલા
સુભાષ સુધા- થાનેસર
સંજય સિંહ- નૂહ
અસીમ ગોયલ- અંબાલા સિટી
કમલ ગુપ્તા- હિસાર
કંવર પાલ- જગાધરી
જેપી દલાલ- લોહારુ
અભે સિંહ યાદવ- નાંગલ ચૌધરી
રણજીત સિંહ ચૌટાલા– રાનિયાં (અપક્ષ).
હરિયાણામાં સત્તા વિરોધી લહેરના દાવા છતા ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઇ રહી છે. પરંતુ 8 મંત્રીઓની હાર ભાજપ માટે એક ઝટકો છે. તેમાં રાનિયા સીટથી અપક્ષ ઉમેદવાર રણજીત સિંહ ચૌટાલા પણ સામેલ છે. જેમની ભાજપે ટિકિટ કાપી દીધી હતી. ત્યારબાદ તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને ચૂંટણી લડી હતી. જો કે, તેમનું રાજીનામું મંજૂર થયું નહોતું. આ સીટ પર INLDના અર્જૂન ચૌટાલાની જીત થઇ છે. રણજીત સિંહ ચૌટાલાને લોકસભાની ચૂંટણીમાં ભાજપે હિસારથી ટિકિટ આપી હતી, પરંતુ અહીં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને પણ પંચકુલા સીટ પરથી કોંગ્રેસના ચંદર મોહને હરાવી દીધા. એ સિવાય ભાજપના સુભાષ સુધાને થાનેસરમાં અશોક અરોડાએ 3000 કરતા વધુ મતોના અંતરથી હરાવી દીધા હતા. નૂંહમાં ભાજપના સંજય સિંહ ત્રીજા નંબરે રહ્યા હતા. આ સીટ કોંગ્રેસના આફતાબ અહમદે INLD ઉમેદવાર તાહિર હુસેનને 46 હજાર કરતા વધુ વૉટના અંતરથી હરાવ્યા. મુખ્યમંત્રી સૈનીના કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા અસીમ ગોયલ પણ અંબાલા સિટી સીટ પરથી હારી ગયા. કોંગ્રેસના નિર્મલ સિંહ મોહરાએ તેમને 11,131 મતથી હરાવી દીધા.
હિસારમાં ભાજપના ડૉ. કમલ ગુપ્તા ત્રીજા નંબર પર રહ્યા. અહી અપક્ષ ઉમેદવાર સાવિત્રી જિંદલને મોટી જીત મળી. તેમણે કોંગ્રેસના રામ વિલાસ નિવાસ રારાને હરાવ્યા. એ સિવાય જગાધરી સીટ પર ભાજપ ઉમેદવાર કંવર પાલને કોંગ્રેસના ઉમેદવાર અકરમ ખાન સામે હાર મળી. લોહારુંમાં જય પ્રકાશ દલાલને કોંગ્રેસના ઉમેદવાર રાજબીર ફરટિયાએ માત્ર 792 વૉટના અંતરથી હરાવી દીધા. તો ભાજપના અભે સિંહ યાદવને નાંગલ ચૌધરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવર મંજુ ચૌધરીએ હરાવી દીધા. જીતનારા મંત્રીઓમાં પાનીપત ગ્રામીણ સીટથી રાજ્યમંત્રી મહિપાલ ઢાંડા અને વલ્લભગઢ સીટ પરથી કેબિનેટ મંત્રી મૂળચંદ શર્મા સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp