શું ઈન્દિરા ગાંધી સરકારે કચ્ચાતિવુ ટાપુ શ્રીલંકાને આપી દીધેલો? વિવાદ શું છે?

PC: twitter.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્ચાતિવ ટાપુને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કોંગ્રેસ પર દેશને નબળો પાડવાનો આરોપ લગાવ્યો. આ ટાપુ અંગે RTI જારી થયા બાદ તેમની પ્રતિક્રિયા આવી છે.તેમણે તેના X એકાઉન્ટ પર પણ આ વિશે પોસ્ટ કર્યું છે.

તમિલનાડુ ભાજપનાઅધ્યક્ષ અન્નામલાઈએ RTI દાખલ કરી હતી. RTIનો જવાબ આવ્યો છે કે 1974માં પાકિસ્તાન જળ સંધિ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા આ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો. RTIનો જવાબ મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કર્યું છે. તેમણે X પ્લેટફોર્મ પર લખ્યું કે,

આ ચોંકાવનારી વાત છે. નવા તથ્યો સામે આવ્યા છે કે કોંગ્રેસે જાણી જોઈને શ્રીલંકાને કચ્ચાતિવ ટાપુ આપ્યો હતો. દરેક ભારતીય આનાથી ગુસ્સામાં છે અને ફરી એકવાર એ સ્વીકારવાની ફરજ પડી છે કે અમે કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકતા નથી. કોંગ્રેસની કામ કરવાની રીત ભારતની અખંડિતતા, એકતા અને હિતોને નુકસાન પહોંચાડવાની છે. જે 75 વર્ષથી ચાલુ છે.

 આ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ પોતાના X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, કોંગ્રેસ માટે તાળીઓ. કોંગ્રેસે જાણી જોઈને કચ્ચાતિવુ ટાપુ આપી દીધો અને તેનો કોઈ અફસોસ પણ નથી. ઘણી વખત કોંગ્રેસના સાંસદો દેશના ભાગલાની વાત કરે છે. તો ઘણી વખત તેઓ ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ટીકા પણ કરે છે. આ દર્શાવે છે કે તેઓ ભારતની અખંડિતતા અને એકતાની વિરુદ્ધ છે. તેઓ માત્ર દેશને તોડવા અને ભાગલા પાડવા માંગે છે.

કચ્ચાતિવુ ટાપુની આટલી બધી ચર્ચા શરૂ થઇ છે ત્યારે તમને થશે કે આ ટાપુ શું છે અને શું વિવાદ છે? તમને જણાવીએ કે, કચ્ચાતિવ ટાપુ હિંદ મહાસાગરના દક્ષિણ છેડે આવેલો છે. ભારતના દૃષ્ટિકોણથી, તે રામેશ્વરમ અને શ્રીલંકા વચ્ચે આવેલો છે. 285 એકરમાં ફેલાયેલો આ ટાપુ 17મી સદીમાં મદુરાઈના રાજા રામાનંદના રાજ્યનો એક ભાગ હતો. બ્રિટિશ શાસન દરમિયાન, તે મદ્રાસ પ્રેસિડેન્સીની પાસે આવી ગયો હતો.

ત્યારબાદ વર્ષ 1921માં ભારત અને શ્રીલંકા બંનેએ માછીમારી માટે આ ટાપુ પર દાવો કર્યો હતો. પરંતુ તે સમયે તેના વિશે કંઈ ખાસ કરી શકાયું ન હતું. ભારતની આઝાદી બાદ દરિયાઈ સીમાઓને લઈને ચાર કરાર કરવામાં આવ્યા હતા. આ કરારો 1974 અને 1976 વચ્ચે કરવામાં આવ્યા હતા.

વર્ષ 1974માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકે વચ્ચે આ ટાપુ પર એક કરાર થયો હતો. બંને દેશો વચ્ચે 26 જૂન 1974 અને 28 જૂન 1974ના રોજ બે રાઉન્ડની વાતચીત થઈ હતી. આ વાતચીત કોલંબો અને દિલ્હી બંનેમાં થઈ હતી. વાટાઘાટો બાદ કેટલીક શરતો પર સંમતિ બની અને ટાપુ શ્રીલંકાને સોંપી દેવામાં આવ્યો હતો.

તેમાં એવી પણ શરત હતી કે ભારતીય માછીમારો આ ટાપુનો ઉપયોગ તેમની જાળ સુકવવા માટે કરશે. ઉપરાંત, ભારતીયોને ટાપુ પર બનેલા ચર્ચમાં વિઝા વિના જવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ એક શરત એવી પણ હતી કે ભારતીય માછીમારોને આ ટાપુ પર માછીમારી કરવાની છૂટ ન હતી.

આ નિર્ણયનો તે સમયે ભારે વિરોધ પણ થયો હતો. તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી કરુણાનિધીએ ઇંદિરા ગાંધી સરકાર સામે લાંબા સમય સુધી વિરોધ નોંધાવ્યો હતો. 1991માં તમિલનાડુ વિધાનસભામાં આની વિરુદ્ધ એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ટાપુને પરત કરવાની માંગ કરવામાં આવી હતી. જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. 2008માં તત્કાલિન CM જયલલિતાએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અને કચ્ચાતિવુ ટાપુ અંગેના કરારને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી.

તમિલનાડુના રામેશ્વરમ જેવા જિલ્લાના માછીમારો માછીમારી માટે કચ્ચાતિવુ ટાપુ તરફ જાય છે. એવું કહેવાય છે કે ભારતીય જળસીમામાં માછલીઓનો નાશ થયો છે. પરંતુ ટાપુ સુધી પહોંચવા માટે માછીમારોએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા ઓળંગવી પડે છે. જેને ક્રોસ કરવા પર શ્રીલંકન નેવી તેમની ધરપકડ કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp