મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા સીટના 4 બૂથો પર ફરીથી થશે મતદાન, જાણો કારણ

PC: livelaw.in

મધ્ય પ્રદેશની બેતુલ લોકસભા સીટના 4 બૂથો પર ફરીથી મતદાન થશે. બસમાં આગ લાગવાથી EVM ક્ષતિગ્રસ્ત થયા બાદ ચૂંટણી પંચે 10 મેના રોજ બેતુલમાં 4 બૂથો પર ફરી મતદાનના આદેશ આપ્યા છે. અહી મંગળવારે જ મતદાન થયું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા આગની ઘટના પર રિપોર્ટ સોંપ્યા બાદ ચૂંટણી પંચે બુધવારે મતવિસ્તારના કેન્દ્રો પર ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો. એક અધિકારીએ જણાવ્યું કે, સંસદીય સીટના મૂલતાઈ વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત સ્થિત આ બૂથો પર 10 મેના રોજ (શુક્રવાર)એ સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી પુનર્મતદાન થશે.

આ બૂથો પર થશે મતદાન:

બેતુલ સંસદીય ક્ષેત્રના મૂલતાઈ વિધાનસભા અંતર્ગત 4 મતદાન કેન્દ્રો રાજાપુર-275, ડૂડર રૈય્યત-276, કુંદા રૈય્યત-279 અને ચીખલીમાલ-280 પર 10 મેના રોજ સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી પુનર્મતદાન કરવામાં આવશે. બેતુલ જિલ્લામાં ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા કર્મચારીઓ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને જઇ રહેલી એક બસમાં આગ લાગી ગઈ, જેનાથી ઘણા EVM ક્ષતિગ્રસ્ત થઈ ગયા.

બેતુલના જિલ્લાધિકારી નરેન્દ્ર સૂર્યવંશીએ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ કર્મચારી અને બસ ચાલકને જાનહાનિ થવાની માહિતી નથી. કહેવામાં આવ્યું કે, આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 11:00 વાગ્યે જિલ્લાના ગોલા ગામ પાસે થઈ. જિલ્લાધિકારીએ જણાવ્યું કે બસમાં અંગારાના કારણે આગ લાગી. આગ લાગવાના કારણે 4 મતદાન કેન્દ્રોના EVM ક્ષતિગ્રસ્ત થઈ ગયા. ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધી આખી બસ સળગીને રાખ થઈ ચૂકી હતી.

સૂર્યવંશીએ જણાવ્યું કે, ઘટનાના સમયે બસમાં ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા 6 ટીમ અને એટલી જ EVM હતા. તેમણે જણાવ્યું કે, 4 EVM ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે અને 2 સુરક્ષિત છે. ક્ષતિગ્રસ્ત થયેલા 4 EVMમાંથી એક કંટ્રોલ યુનિટ કે એક મતપત્ર યુનિટ નષ્ટ થઈ ગયું છે. એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, બેતુલ લોકસભા સીટ પર કુલ 72.65 ટકા મતદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp