9 વર્ષ પછી પ્રથમ વાર ભારતના વિદેશ મંત્રી જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ

PC: bbc.com

પાકિસ્તાનમાં આજથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલન શરુ થઇ રહ્યું છે. આ SCOની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ચુક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે ત્યારે બાદ SCO સંમેલનની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી બંને પાડોશી દેશોનો સંબંધ તણાવ ભર્યો રહ્યો છે જે દરમિયાન ભારત તરફથી પાકિસ્તાનનો આ પ્રથમ ઉચ્ચ સ્તરીય પ્રવાસ છે.

9 વર્ષ પછી ભારતીય વિદેશમંત્રીનો પાકિસ્તાન પ્રવાસ

જો કે એસ.જયશંકરની આ પાકિસ્તાન યાત્રા ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જયશંકરે એક સંબોધનમાં કહ્યું હતું કે “ભારત અન્ય પાડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે પણ ચોક્કસપણે સારા સંબંધ ઈચ્છશે. પરંતુ, સરહદ પારના આંતકવાદને નજર અંદાજ કરી તે શક્ય નથી.” લગભગ 9 વર્ષ પછી આ પ્રથમવાર છે કે ભારતના વિદેશમંત્રી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. જો કે એવી પણ માહિતી સામે આવી છે કે એસ.જયશંકર પાકિસ્તાનમાં 24 કલાકથી પણ ઓછો સમય રોકાશે. તમને જણાવી દઈએ કે SCOના સભ્ય દેશોના સરકારના વડાઓ સિવાય એસ.જયશંકર અને પાકિસ્તાનની વિદેશમંત્રી ઈશાક દાર વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય સંવાદ માટે ભારતે તૈયારી દર્શાવી નથી.

પાકિસ્તાનના PMએ ભારતના વડાપ્રધાનને આપ્યું હતું આમંત્રણ

છેલ્લે પાકિસ્તાનનો પ્રવાસ ડિસેમ્બર 2015માં ભારતના તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કર્યો હતો. તેઓ અફઘાનિસ્તાન પરના એક સંમેલનમાં ભાગ લેવા ઇસ્લામાબાદ ગયા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા SCO સંમેલનમાં ભાગ લેવા માટે ઓગસ્ટમાં પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

જાણો કેવા છે સુરક્ષાનો બંદોબસ્ત

SCO સમિટ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસ્લામાબાદના પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે ઇસ્લામાબાદમાં આયોજિત થનાર SCO સંમેલન માટે સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હોટેલ કે અન્ય જગ્યાએ જ્યાં વિદેશી પ્રતિનિધિ રોકાયા છે ત્યાં સુરક્ષા કર્મીઓએ તૈનાત કરવામાં આવ્યા છે. વિદેશી પ્રતિનિધિમંડળની સુરક્ષા માટે પાકિસ્તાન આર્મી, ગુપ્તચર એજન્સીઓ, ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) અને રેન્જર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રમુખે કહ્યું કે SCO સંમેલન દરમિયાન સુરક્ષા માટે 9000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે સરકારે રાજધાનીમાં પહેલાથી જ સેનાને તૈનાત કરી દીધી છે અને ઇસ્લામાબાદના પડોશી રાવલપિંડી અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન અને રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp