લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના મોટા નેતાની કોંગ્રેસમાં વાપસી

PC: tv9gujarati.com

ગયા વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પાર્ટીએ ચૂંટણી અગાઉ પી.ડી. વસાવાને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં સસ્પેન્ડ કર્યા હતા. 4 વખતના ધારાસભ્ય પી.ડી. વસાવા પોતાના સમર્થકો સાથે અમદાવાદ સ્થિત રાજીવ ભવનમાં ફરીથી કોંગ્રેસમાં સામેલ થયા. ગુજરાતના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા અને તેમના સહયોગી હિંમત સિંહ પટેલે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું.

પી.ડી. વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસીના અભિયાનને પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલની પહેલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જેમાં તેમણે પાર્ટી છોડીને ગયેલા નેતાઓ અને શુભચિંતકોને વાપસીની અપીલ કરી હતી. પી.ડી. વસાવા સાથે તેમના 40 સમર્થકોએ કોંગ્રેસમાં સામેલ થયા. વસાવાની વાપસીથી કોંગ્રેસને નર્મદા જિલ્લામાં મજબૂતી મળશે. પી.ડી. વસાવાને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના નાંદોદથી ટિકિટ આપવાની ના પાડી દીધી હતી, જ્યાં તેઓ એ સમયે ધારાસભ્ય હતા.

કોંગ્રેસ આ આદિવાસી સીટ પરથી ભાજપ સામે હારી ગઈ હતી. પાર્ટી ઉમેદવાર હરેશ વસાવાની હાર માટે સ્થાનિક નેતાઓ દ્વારા તેમના ઉપર આંગળી ઉઠાવ્યા બાદ કોંગ્રેસે પી.ડી. વસાવાને સસ્પેન્ડ કરી દીધા હતા. કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ પી.ડી. વસાવા કોઈ પણ પાર્ટીમાં સામેલ થયા નહોતા. મોઢવાડિયાએ કહ્યું કે, 4 વખતના ધારાસભ્ય થોડા સમય માટે અમારાથી દૂર હતા, પરંતુ આજે તેઓ અમારી સાથે પાછા આવી ગયા છે. હું તેમનું સ્વાગત કરું છું. કોંગ્રેસે હંમેશાં રાજ્યની ભાજપ સરકારની નિંદા કરી છે.

તેમણે કહ્યું કે, ભાજપ શાસનમાં ગુજરાતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. યુવાનોને નોકરી મળી રહી નથી. ઉચ્ચ શિક્ષણ ગરીબોની પહોંચથી બહાર છે અને ખેડૂત પીડિત છે. ગુજરાતમાં સત્તા પરિવર્તનની જરૂરિયાત છે. નર્મદા જિલ્લામાં અત્યારે કોંગ્રેસ પાસે કોઈ ધારાસભ્ય નથી. પી.ડી. વસાવા અને નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરેન્દ્ર વાળંદ તેમના સમર્થકો સાથે કોગ્રેસમાં જોડાયા છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા શૈલેષભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવડિયા, સહિતના પ્રદેશના કોંગ્રેસના નેતાઓની હાજરીમાં પી.ડી. વસાવા તેમના 150 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયા.

પી.ડી. વસાવા એક સમયે કોંગ્રેસની દિગ્ગ્જ નેતા સ્વ. અહમદ પટેલના નજીકના નેતા મનાતા હતા અહમદ પટેલનું કોરોનાકાળમાં નિધન થયા બાદ પી.ડી. વસાવાનું પણ કોંગ્રેસમાં રાજકીય કદ ઘટ્યું હતું. પી.ડી. વસાવા માત્ર સ્થાનિક બહુમતી ધરાવતા આદિવાસી સમાજમાં જ નહીં, પરંતુ દરેક સમાજમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે. આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફથી ટિકિટનો દાવો કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp