પૂર્વ સાંસદ પપ્પુ યાદવે કહ્યું- BJP સત્તા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે
હજુ થોડા દિવસો પહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે દાવો કર્યો હતો કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે. હવે બિહારના નેતા અને એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવના ખાસ ગણાતા પપ્પુ યાદવે દાવો કર્યો છે કે, ભાજપ સત્તા મેળવવા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે. સીતમઢીમાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આરોપ મુકતા કહ્યુ હતું કે, ગોધરા અને પુલવામાં જેવી ઘટનાઓને સત્તા મેળવવા માટે જ અંજામ આપવામાં આવ્યો હતો.
બિહારમાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ શુક્રવારે મનિયાડીહ ગામ પહોંચ્યા હતા. તેઓ હરિયાણા ગુરુગ્રામની હિંસામાં ભોગ બનેલા હાફિઝ સાદના પરિવારને મળવા આવ્યા હતા. એ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પપ્પુ યાદવે આરોપુ મુક્યો હતો કે ગોધરા અને પુલવામાં જેવી ઘટનાઓને અંજામ આપીને સત્તામાં આવેલી ભાજપ રામ મંદિર પર પણ હુમલો કરાવી શકે છે. તેમણે હાફિઝ સાદની હત્યાને ભારતના બંધારણની હત્યા તરીકે લેખાવી હતી.
પપ્પુ યાદવે કહ્યું કે 9 વર્ષના શાસનમાં ભાજપ બંધારણની ધજિયા ઉડાવી રહી છે.તે RSSના ઈશારે કામ કરે છે. દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવો એ ભાજપનું જ કામ છે. નાથુરામ ગોડસેએ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી ત્યારે જ દેશના બંધારણની હત્યા કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં દલિતો, લઘુમતી અને પછાત લોકોની ઇજ્જત સાથે ખિલવાડ થઇ રહ્યો છે.
પૂર્વ સાસંદ પપ્પુ યાદવે આગળ કહ્યું કે,મણિપુરમાં એક દલિત મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ટ્રેનમાં જાતિ અને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવે છે. દેશમાં આવી અનેક ઘટનાઓ બની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ છે. યાદવે હાફિઝના હત્યારાને ફાંસીની સજાની માંગ કરી હતી. જો કે, પપ્પુ યાદવે હરિયાણામાં બજરંગ દળના સરઘસ પર કોણે હુમલો કર્યો, વાહનોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું તેના પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ માટે તેમણે સીધો ભાજપ અને ત્યાંની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.
પપ્પુ યાદવે મૃતક હાફિઝ સાદના પરિવારજનોને રોકડા 50,000 રૂપિયાની સહાય કરી હતી અને સાદની 3 બહેનોના લગ્નનો ખર્ચ અને નાના ભાઇના શિક્ષણની જવાબદારી લેવાની પણ વાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp