MLA વિમલ ચુડાસમાએ રાજીનામાની અટકળોને લઈને આપ્યું નિવેદન, બોલ્યા- હું કોંગ્રેસ..

PC: navajivan.in

હવે ગુજરાતનું રાજકારણ રોજબરોજ ગરમાઈ રહ્યું છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન એવી ચર્ચાઓને બળ મળ્યું છે કે, આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. બીજી તરફ હવે રાજીનામાની અટકળો વચ્ચે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાનું નિવેદન આપ્યું છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવાઇ રહી છે.

રાજ્યમાં આજે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી વધુ એક રાજીનામું પડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને ઘણુ બધુ આપ્યુ છે. તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે. અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છીએ. આ સાથે તેમણે કહ્યું કે, જેના મન ડગે તેવા લોકો પક્ષ પલટો કરતા હોય છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના વિમલ ચુડાસમાની જીત થઈ હતી. જ્યારે ભાજપના માનસિંહ પરમારની હાર થઈ હતી. વિમલ ચૂડાસમા પાસે જંગમ મિલકત 57,94,859.44 છે. ગીર સોમનાથ જિલ્લામાં 4માંથી એક બેઠક પર જ કોંગ્રેસનું રાજ છે. જ્યારે ઉના, કોડિનાર, તાલાલા બેઠક પર ભાજપનો કબજો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અચાનક રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં સોંપો પડી જવા પામ્યો હતો. તો ગઈકાલે ખંભાતનાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. હજુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થઇ હતી.

આ અંગે ઉમેશ મકવાણાને પૂછવામાં આવતા તેમણે આ વાતને અફવા ગણાવી હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા જ ચિરાગ પટેલના સૂર બદલાયા છે. ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા આપ્યા સંકેત આપ્યા છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કંઇ જ આવડતુ નથી. 'ડૉનેટ ફોર દેશ' અભિયાનના ચિરાગ પટેલે લીરે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ અલગ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp