ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાવવાની તૈયારીમાં,કોંગ્રેસને મોટો ઝટકો લાગશે

PC: twitter.com

ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળે તેવા સમાચાર સામે આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જેમને મિત્ર તરીકેનો જાહેરમંચ પરથી ઉલ્લેખ કરી ચૂક્યા છે તેવા કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પણ હવે ભાજપમાં જોડાવવાની તૈયારી કરી રહી રહ્યા છે. સી આર પાટીલે એક વખત કહ્યું હતું કે અંબરીશ ડેર મારા સારા મિત્ર છે અને તેમના માટે મેં ભાજપમાં જગ્યા રાખેલી છે. એમના માટે રૂમાલ મુકી રાખ્યો છે. અત્યારે અંબરીશ ડેરનું નામ એટલાં માટે ઉછળી રહ્યું છે, કારણકે આ પહેલાં તેઓ ભાજપમાં જવાની વાત પર ટીપ્પણી નહોતા કરતા, પરતં હવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જવાનો હોઇશ તો તમને જણાવીશ.

જો અંબરીશ ડેર ભાજપમાં જોડાઇ જશે તો કોંગ્રેસ માટે એક મોટો ઝટકો હશે, કારણકે આ પહેલાં કોંગ્રેસના 2 ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા છે અને કોંગ્રેસનો ધારાસભ્યોનો આંકડો ઘટી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા 2022માં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી હતી. એ પછી ખંભાતના ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. એટલે ભાજપ પાસે હવે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 15 રહ્યું છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નવેમ્બર 2021માં એક સામાજિક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર મારા સારા મિત્ર છે, એમને ખખડાવવાનો મને પુરો અધિકાર છે. તે વખતે પાટીલે કહ્યુ હતું કે, જેમ આપણે બસ કે ટ્રેનમાં કોઇ મિત્ર માટે જ્ગ્યા રાખવા માટે રૂમાલ મુકીએ તેવી જ રીતે મે અંબરિશ ડેર માટે રૂમાલ રાખી મુક્યો છે.

એ પછી નવેમ્બર 2023માં ગીર સોમનાથના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અંબરિશ ડેર મારા મિત્ર છે અને તેમને હું હાથ પકડીને ભાજપમાં લાવવાનો છું.

અંબરીશ ડેર આહીર સમાજના મોટા ચહેરા તરીકે જાણીતા છે. અંબરીશ ડેરને ભાજપમાં લાવવા માટે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તે વખતે ડેર આવ્યા નહોતા.

પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસના સ્ટેન્ડથી અંબરિશ ડેર નારાજ થયા હતા એટલે અત્યારે ચર્ચા ઉપડી છે. જો કે રાજકારણના જાણકારોનું કહેવું છે કે જો અંબરીશ ડેરને ભાજપમાં સામેલ કરવામાં આવે તો પછી હીરા સોલંકી કે જે અત્યારે ભાજપના રાજુલાના ધારાસભ્ય છે તેમનું શું થશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp