‘મારા પર કેસ નહીં ચલાવી શકો કેમ કે..’, અરવિંદ કેજરીવાલે કોર્ટમાં શું આપી દલીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા વિવાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. અમદાવાદની એક કોર્ટે બુધવારે આમ આદમી પાર્ટી (AAP) નેતાઓની એ અરજીઓ ફગાવી દીધી, જેમાં તેમણે માનહાનિ કેસની સુનાવણી ફેબ્રુઆરી 2024 સુધી ટાળવાની માગ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જે. પંચાલ સામે અરવિંદ કેજરીવાલ તરફથી એવી દલીલ આપવામાં આવી કે લોકસેવક હોવાના કારણે મંજૂરી વિના તેમની વિરુદ્ધ કેસ નહીં ચલાવી શકાય. કોર્ટ આજે આ કેસ પર નિર્ણય આપી શકે છે.
કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે CRPCની કલમ 197 હેઠળ મંજૂરી વિના તેમના પર કેસ નહીં ચલાવી શકાય કેમ કે તેઓ લોકસેવક છે. અરવિંદ કેજરીવાલે આ દલીલ ગુજરાત યુનિવર્સિટી તરફથી દાખલ કરેલા માનહાનિના કેસમાં આપી છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ છે કે તેમણે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરી છે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે એ આધાર પર સુનાવણી ટાળવાની માગ કરતા અરજીઓ દાખલ કરી છે કે સમન્સને પડકાર આપતી અરજીઓ ગુજરાત હાઇ કોર્ટમાં પેન્ડિંગ છે અને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સુનાવણી થવાની સંભાવના છે.
સુનાવણી ટાળવાની અરજીઓ પર સખત આપત્તિ વ્યક્ત કરતા ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે કહ્યું કે, હાઇ કોર્ટે કેસ પર કોઈ રોક લગાવી નથી અને કેસમાં જે સાક્ષીઓની પૂછપરછ કરવાની છે તેઓ કોર્ટમાં ઉપસ્થિત છે. નાયરે આ કેસમાં અરવિંદ કેજરીવાલની એ દલીલને પણ પડકાર આપ્યો કે તેઓ લોકસેવક છે એટલે CRPCની કલમ 197 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી લેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, આપત્તિજનક શબ્દોનો ઉપયોગ સત્તાવાર કાર્યના નિર્વહન શ્રેણીમાં આવતા નથી એટલે વર્તમાન કેસમાં એવી મંજૂરીની આવશ્યકતા નથી. આ અરજી કેસને લટકાવવાની એક રણનીતિ છે. કોર્ટે ગુરુવાર સુધી પોતાના આદેશને સુરક્ષિત રાખી લીધો.
અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે સેશન કોર્ટમાં તેમની પુનરિક્ષણ અરજીની સુનાવણી સુધી તેમની વિરુદ્ધ માનહાનિની કાર્યવાહી પર રોક લગાવવા માટે ગુજરાત હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે એમ કહેતા બંને નેતાઓને સમન્સ પાઠવ્યા હતા કે પ્રથમ દૃષ્ટિએ તેમની વિરુદ્ધ IPCની કલમ 500 (માનહાનિ) હેઠળ કેસ બનતો પ્રતીત થાય છે. હાઇકોર્ટ દ્વારા વડાપ્રધાન મોદીની ડિગ્રી પર મુખ્ય સૂચના કમિશનરના આદેશને રદ્દ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે બંને નેતાઓ વિરુદ્ધ તેમની ટીપ્પણીઓ પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp