મિઝોરમમાં સત્તાધારી પાર્ટી ફેંકાઇ ગઇ, આ પાર્ટીને બહુમતી, સત્તા સંભાળશે

PC: thehindu.com

મિઝોરમમાં સોમવારે મતગણતરી શરૂ થઇ હતી અને ZPM પાર્ટી શરૂઆતથી જ આગળ દોડતી હતી. મિઝોરમમાં ZPMએ મિઝો નેશનલ ફ્રન્ટ પાસેથી સત્તા આંચકી લીધી છે. ઈલેક્શન કમિશનના 1 વાગ્યાના આંકડા મુજબ મિઝોરમમાં ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ(ZPM) 27 બેઠક પર આગળ ચાલી રહી છે. આ રાજ્યમાં બહુમતી માટે 21 બેઠકની જરૂર હોય છે. 

દેશમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થઇ ગયા અને ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જવલંત સફળતા મેળવી અને કોંગ્રેસને મોટો પછડાટ આપ્યો. રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસની સત્તા ભાજપે છીનવી લીધી.કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ સફળતા મળી હતી. હવે 4 ડિસેમ્બર સોમવારે મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં મિઝોરમની સત્તાધારી પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સત્તામાંથી ફેંકાઇ ગઇ છે અને ઝોરમ પીપલ્સ પાર્ટી ( ZPM)એ સત્તા હાસંલ કરી લીધી છે.કોંગ્રેસ અહીં ત્રીજા નંબર પર છે.

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા 3 ડિસેમ્બરે જ જાહેર થવાના હતા, પરંતુ મિઝોરમની બધી રાજકીય પાર્ટીઓએ ચુંટણી પંચને તારીખ બદલવા માટે વિનંતી કરી હતી. મિઝોરમની પાર્ટીઓએ કહ્યું હતું કે મિઝો લોકો રવિવારે પુરી રીતે પૂજામાં સમર્પિત હોય છે એટલે ચૂંટણી પરિણામોની તારીખ બદલવામાં આવે. ચુંટણી પંચે 4 ડિસેમ્બરની તારીખ જાહેર કરી હતી.

મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠક છે અને જીતવા માટે 21 બેઠકોની જરૂર હોય છે. 4 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં MNFને પછડાટ મળ્યો છે અને ZPMને જબરદસ્ત સફળતા મળી છે.

 

ઝોરમ પીપલ્સ પાર્ટી (ZPM)એ 6 નાની નાની પાર્ટીઓનું બનેલું સંગઠન છે. મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ, ઝોરમ નેશનલીસ્ટ પાર્ટી, ઝોરમ એક્સોડસ ફ્રન્ટ, ઝોરમ રિર્ફોમેશન ફ્રન્ટ, ઝોરમ ડિસેન્ટ્રલાઇઝન ફ્રન્ટ અને મિઝોરમ નેશનલ પાર્ટી. આ બધાએ એક મંચ પર ભેગા થઇને ZPMની રચના કરી હતી.

મિઝોરમમાં અત્યાર સુધી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં હતી અને મુખ્યમંત્રી તરીકે જોરામ થાંગા હતા. પરંતુ મિઝોરમમાં સત્તા વિરોધી લહેર હતી. જેનો ફાયદો લાલદુહોમાના નેતૃત્વ વાળી ZPMને મળ્યો અને MNFને સત્તામાંથી બહાર કરી દીધી.

મિઝોરમમાં કોંગ્રેસ ત્રીજા નંબર પર છે અને ભાજપને કોઇ સફળતા મળી નથી. ભાજપે મિઝોરમમાં 40માંથી 23 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ ભાજપે મિઝોરમમાં કોઇ ખાસ પ્રયાસ કર્યા નહોતા.

દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર નાંખીએ તો ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી રહી છે. તેલગાંણામાં કોંગ્રેસની સરકાર બનશે અને મિઝોરમમાં ZPM સત્તાની ધૂરા સંભાળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp