કોંગ્રેસને વધુ ઝટકો, આવકવેરા વિભાગે નવી નોટિસ મોકલી 1745 કરોડ ટેક્સ માગ્યો

PC: twitter.com/INCIndia

લોકસભા 2024ને હવે ગણતરીના દિવસો બાકી છે અને કોંગ્રસેની મુશ્કેલીનો અંત જ આવતો નથી. એક સાંધેને તેર તુટે તેવો કોંગ્રેસનો ઘાટ થઇ રહ્યો છે. એક તરફ અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહ્યા છે, INDIA ગઠબંધનમાં સીટ શેરનો ગુંચવાડો ઉકેલાતો નથી અને બીજી તરફ આવકવેરા વિભાગ પાછળ પડી ગયું છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને એક નવી નોટિસ ફટકારીને 1745 કરોડ રૂપિયાના ટેક્સની માગંણી કરી છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી છે. જેમાં આકારણી વર્ષ 2014-15 થી 2016-17 માટે 1,745 કરોડ રૂપિયાના ટેક્સની માંગણી કરવામાં આવી છે. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસેથી કુલ રૂ. 3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે.

સૂત્રોના કહેવા અનુસાર, તાજેતરની નોટિસ 2014-15 (આશરે રૂ. 663 કરોડ), 2015-16 (આશરે રૂ. 664 કરોડ) અને 2016-17 (આશરે રૂ. 417 કરોડ) સંબંધિત છે. તેમણે કહ્યું કે સત્તાવાળાઓએ રાજકીય પક્ષોને આપવામાં આવતી કર મુક્તિ સમાપ્ત કરી દીધી છે અને પાર્ટી ટેક્સ લગાવી દીધો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ દ્વારા દરોડા દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી ડાયરીઓમાં કરવામાં આવેલી 'થર્ડ પાર્ટી એન્ટ્રીઓ' માટે પણ કોંગ્રેસ પર ટેક્સ લગાવવામાં આવ્યો છે.

કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે કહ્યું હતું કે તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે, જેમાં લગભગ રૂ. 1,823 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. ટેક્સ સત્તાવાળાઓએ અગાઉના વર્ષો સંબંધિત કરની માંગણીઓ માટે પાર્ટીના ખાતામાંથી 135 કરોડ રૂપિયા પહેલેથી જ ઉપાડી લીધા છે.

કોંગ્રેસે રૂ. 135 કરોડની ટેક્સ ડિમાન્ડ સામે કોર્ટમાં અરજી કરી છે અને આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાંથી આ અંગે કોંગ્રેસ કોઈ પણ રાહત મેળવવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસ અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂકી છે અને તેમના બેંક ખાતા સીલ કરવા વિશે ભાજપ સરકાર સામે નિશાન સાધી ચૂકી છે. તાજેતરની એક પ્રેસ કોન્ફરન્સમાં બિમાર હોવા છતા સોનિયા ગાંધી પોતે હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી સામે બેંક ખાતાઓ સીલ અને આવકવેરાની નોટિસો પર નોટિસોને કારણે કોંગ્રેસની મુશ્કેલી અનેક ગણી વધી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp