JDUના ધારાસભ્યોને તોડવા માટે આપી 10-10 કરોડની ઓફર, MLAનો આરોપ, નોંધાયો કેસ

PC: jagran.com

બિહારના રાજકારણમાં ખેલ હવે થંભી ગયો છે. નીતિશ કુમારની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે અને હવે JDUના ધારાસભ્ય સુધાંશુ શેખરે પોલીસમાં RJD નેતાઓ પર કેસ નોંધાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, JDU ધારાસભ્યોને તોડવા માટે 10-10 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. JDU ધારાસભ્ય સુધાંશુ શેખર તરફથી પોલીસમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, એ મુજબ 5 કરોડ રૂપિયા પહેલા અને 5 કરોડ બાદમાં આપવાની ઓફર આપવામાં આવી હતી.

તેજસ્વી યાદવના નજીકના એન્જિનિયર સુનિલ તરફથી ઓફર આપવામાં આવી રહી હતી. પૂર્વ મંત્રી નાગમણિ કુશવાહે જાણકારી આપી હતી કે અખિલેશ પણ તમારી સાથે વાત કરશે. ઈન્ટરનેટ કોલથી અખિલેશ નામના વ્યક્તિએ કોલ કર્યો. એ સિવાય ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે JDUના ધારાસભ્યોને પૈસાઓ સાથે સાથે મંત્રી પદની ઓફર આપવામાં આવી રહી છે. JDUના ધારાસભ્ય સુધાંશુ શેખર મુજબ, ઘણા ધારાસભ્યોને ઓફર આપવામાં આવી હતી. JDU ધારાસભ્યો સાથે સંપર્ક કરનારામાં RJDના પ્રવક્તા શક્તિ સિંહ યાદવનું પણ નામ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ફ્લોર ટેસ્ટમાં સફળ થયા બાદ ખેલ કરનારા ધારાસભ્યો પર JDU સખત એક્શન લેવાના મૂડમાં છે. પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં JDU ધારાસભ્ય સુધાંશુ શેખરે કેસ નોંધાવ્યો છે. JDU ધારાસભ્યએ તેજસ્વી યાદવના નજીકના કોન્ટ્રાક્ટર પર અપહરણનો કેસ નોંધાવ્યો છે. એ સિવાય JDU ધારાસભ્ય બીમા ભારતી અને દિલીપ રાયના અપહરણનો પણ કેસ નોંધાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સોમવારે સદનમાં કહ્યું હતું કે ખેલ કરનાર અને ધારાસભ્યોને ગાયબ કરનારાઓને નહીં છોડીએ.

તો બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ ધારાસભ્યોની ખરીદીથી ખેલ કરવાની બધી જોડ તોડ નિષ્ફળ કરતા બિહાર વિધાનસભામાં એકજૂથ NDAના બહુમત સિદ્વ કરવા પર મુખ્યમંત્રી નીતિશ કુમારને શુભેચ્છા આપી. તેમણે કહ્યું કે, 17 મહિનાના રાહુકાળથી નીકળવા પર રાજ્યની જનતા રાહતથી શ્વાસ લઈ શકશે. સદનમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવાથી 2020ના જનાદેશનું સન્માન થયું અને હવે વિકાસ, નોકરી, રોજગાર જેવા બધા વાયદા તેજીથી લાગૂ થશે. આ સરકાર નીતિશ કુમારના નેતૃત્વમાં ભાજપના સહયોગથી પોતાનો બાકી કાર્યકાળ પૂરો કરશે. જે લોકોએ છળ-બળથી જનાદેશનું અપહરણ કર્યું હતું, તેમને બોધ મળી ચૂક્યો છે, તેમણે આવી રાજનીતિથી ઉપર આવવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp