Notifications

Favourite List

Happy Diwali and Happy New Year

કારડીયા સમાજ વિવાદ: દાનસંગને સજા કોર્ટે આપી, માનહાનિ કરનાર સામે પગલા ભરાશે

13 Oct, 2017
09:42 PM
PC: khabarchhe.com

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ટારગેટ કરી વહેતા કરાયેલા સમાચારો બાબતે ઉંડાણમાં જતા જે બહાર આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી બની રહી છે. ખાસ કરીને કારડીયા સમાજમાં જીતુ વાઘાણી અંગે સમાચારો ફેલાયા છે તેમાં સત્ય હકીકત તપાસતાં જે વિગતો બહાર આવી છે તે આંખ ખોલનારી બની રહેવા પામી છે.

કારડીયા સમાજ અને બુધેલ ગામ સર્કલનાં પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ બુધેલ ગામનાં પૂર્વ સરપંચ દાનસંગ ભગવાનજી મોરી તથા તેમની સાથે અન્ય 12 મળી કુલ 13 વ્યક્તિઓને ભાવનગર કોર્ટે સજા આપી છે. આ અંગે એવું કહેવામાં આવે છે કે જીતુ વાઘાણીએ દાનસંગ મોરી સહિત અન્યોને સજા કરાવી છે. આ વાતમાં એટલા માટે માલ નથી કે કોઈ પણ કોર્ટ કોઈનાં કહેવાથી સજા કરતી નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં ફરીયાદ અને બચાવપક્ષનાં વકીલો, સાક્ષીઓ, પંચો અને અન્ય તરતપાસનાં અંતે અદાલતો ચૂકાદા આપતી હોય છે ત્યારે એક અદાલત જીતુ વાઘાણીને કહેવાથી ચૂકાદો આપે તે વાત એક રીતે અદાલતી કાર્યવાહીની અવમાનનાં બરાબર બની રહે છે.

આ અંગે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનાં જણાવ્યા પ્રમાણે આ કેસની હકીકત એવી છે કે દાનસંગ મોરીને સરપંચ તરીકે સસ્પેન્ડકરવામાં આવતા દાનસંગ મોરી અને સજા પામેલા અન્ય વ્યક્તિઓએ ભાવનગર-મહુવાનાં જાહેર રસ્તા પર આવતા-જતા વાહનોને રોકી ગેરકાયદે રીતે ત્રણથી ચાર કલાક સુધી અવરોધ ઉભો કર્યો હતો. આ અવરોધ ઉભો કરવામાં આવતા વરતેજનાં પીએસઆઈ એચ.સી.ગોહીલે રસ્તામાં અવરોધ ઉભો કરવાનો કેસ દાખલ કર્યો હતો.

આ અંગે વધુ વિગતો મુજબ 13-9-2016નાં રોજ પીએસઆઈ એચ.સી.ગોહીલ અને સ્ટાફનાં પોલીસે દાનસંગ સહિત અન્ય વ્યક્તિઓને સમજાવવા બુધેલ મુકામે પહોંચ્યા હતા. પીએસઆઈ ગોહીલ અને સ્ટાફની સમજાવટને નહી માની દાનસંગ મોરી અને અન્ય વ્યક્તિઓએ રસ્તા રોકો ચાલુ રાખ્યું હતું. સ્થિતિ વણસતા વધારાનાં પોલીસ દળને બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર બનાવનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું અને સીડી પણ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત કેસ દાખલ કર્યા બાદ પોલીસે સાક્ષીઓનાં નિવેદનો નોંધી ચાર્જશીટ પણ તૈયાર કરી હતી.

વધુમાં આ કેસમાં સાક્ષી એવાં દિગ્વિજયસિંહ સુરૂભા ગોહીલની તરતપાસ કરી હતી. તરતપાસમાં ફરીયાદી પીએસઆઈ એચસી ગોહીલની ફરીયાદને સમર્થન આપતું નિવેદન કર્યું હતું. સાક્ષી તરીકે જગદીશકુમાર પ્રતાપદાન ગઢવીએ પણ પીએસઆઈ ગોહીલની જુબાનીની તરફેણમાં પોતાનું નિવેદન લખાવ્યું હતું. આ કેસમાં ઘટનાને નજરે જોનારા પાંચ પોલીસ સાક્ષીઓની પણ જુબાની અદાલતે નોંધી હતી અને તેમની જુબાનીને આધાર માનીને દાનસંગ મોરી સહિત તમામને સજા સંભળાવવામાં આવી હતી

વર્તુળો મુજબ ઘટના બની ત્યારે પરોક્ષ કે પ્રત્યક્ષરૂપે જીતુ વાઘાણી ક્યાંય પણ ચિત્રમાં ન હોવા છતાં સમાજને ગેરમાર્ગે દોરી રાજકીય લાભ ખાટવા ખાતર કારડીયા સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. આ ઘટનામં જીતુ વાઘાણીને દુર દુર સુધી કોઈ સંબંધ ન હોવા છતાં તેમને ટારગેટ કરવામાં આવી રહ્યા હોવાનું ગામનાં લોકો જણાવી રહ્યા છે.

વિગતો મુજબ સોશિયલ મીડિયામાં જે વાત થઈ રહી છે તેમાં દાનસંગ મોરી કે તેમનાં કુટુંબીજનોની કોઈ પણ જમીન ઓળવી જવા જીતુ વાઘાણી દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો ન હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે.

જીતુ વાઘાણીનાં જણાવ્યા પ્રમાણે માત્રને માત્ર અદાલતે પુરાવાઓના આધારે દાનસંગ મોરી અને અન્ય વ્યક્તિઓને જે કંઈ સજા કરી છે તે અદાલતી કાર્યવાહીનાં આધારે કરવામાં આવી છે. પુરાવાઓની ચકાસણી અને વિશ્લેષણ કરી ચૂકાદો જાહેર કર્યો છે. અદાલતની પારદર્શક ન્યાયિક કાર્યવાહીમાં કોઈ પણ સત્તાધારી પક્ષ કે વિપક્ષનાં વ્યક્તિ કે અન્ય કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે કોઈ પણ વ્યક્તિઓનો વર્ગ કે સમૂહ દ્વારા દરમિયાનગીરી કે દખલગીરી અશક્ય છે. વિવાદ ઉભો કરી આ ન્યાયિક કાર્યવાહીમાં ન્યાયતંત્રની મર્યાદા અને ગરીમાનું અપમાન થતું હોય એવું જણાઈ આવી રહ્યું છે. સાથે સાથે આવા ખોટા અને પાયાવિહોણા બિનજવાબદાર નિવેદનો-આક્ષેપોથી મારી પણ માનહાનિ થઈ રહી છે.

જીતુ વાઘાણીનાં જણાવ્યા પ્રમાણે આવા ખોટા સમાચારો, મેસેજ, વ્હોટસઅપ મેસેજથી રાજકીય લાભ મેળવવાનો બદઈરાદો હોય તેવું જણાય છે. ભારતીય જનતા પાર્ટી સાથે એક ચોક્કસ સમુદાયને પૂર્વગ્રહ બંધાય જાય જે સમાજમાં કોઈનાં માટે હિતાવહ નથી. જેથી કરીને આવી ખોટા ભ્રામક અફવાઓથી ભરમાઈ ન જાય તેવા આશયથી આ બાબત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જો ભવિષ્યમાં આવા ખોટા સમાચારો, મેસેજો, વ્હોટસ અપ મેસેજોને પ્રાધાન્ય ન આપી ધ્યાને ન લેવા વિનંતી કરવામાં આવી છે અને આવી ખોટી અફવઓ ફેલાવનારી વ્યક્તિઓ સામે કાયદેસરનાં પગલા ભરવામાં આવશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.