શું કંગના રણૌત BJPથી લોકસભાની ચૂંટણી લડવાની છે? જાણો અભિનેત્રીએ શું કહ્યું?

PC: facebook.com/KanganaRanaut

પોતાના બેફામ અને બોલ્ડ નિવેદનો માટે જાણીતી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ચંદીગઢથી લોકસભાની ચૂંટણી લડી રહી છે એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કંગનાને લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર તરીકે બતાવવામાં આવી રહી છે.જો કે અભિનેત્રી કંગનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતને અફવા તરીકે ગણાવી હતી. જો કે, જે પ્રમાણે ડેવલપમેન્ટ થઇ રહ્યા છે એ જોતા ભાજપ કંગનાને લોકસભાની ટિકીટ આપી દે તો નવાઇ નહીં લાગશે.

આ પહેલા હિમાચલના મંડી અને ઉત્તર પ્રદેશના મથુરાથી પણ કંગના ચૂંટણી લડી શકે તેવી ચર્ચા થઇ હતી. એની પાછળનું કારણ એવું છે કે કંગના પોતે હિમાલયની મંડીની રહેવાસી છે. તેનો જન્મ જ મંડીમાં થયો હતો. બીજી તરફ છેલ્લાં ઘણા સમયથી કંગનાની મથુરામાં અવર-જવર વધી ગઇ છે. અત્યારે ચંદીગઢ અને મથુરાની જે લોકસભા બેઠકો છે એની પર બોલિવુડ સ્ટાર જ સાંસદ તરીકે છે.

જો કે આ બાબતે ચંદીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિતેંદર પાલ મલ્હોત્રાનું કહેવું છે કે તેમની પાસે આવા પ્રકારની કોઇ સૂચના નથી. લોકસભા ચૂંટણી માટે પાર્ટી જેને પણ ટિકીટ આપશે તેની સાથે આખી પાર્ટી મળીને ચૂંટણી લડશે.

કંગના રનૌતને ભાજપની કટ્ટર સમર્થક માનવામાં આવે છે. પહેલાં એવી ચર્ચા હતી કે કંગના હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડશે, પરંતુ હવે ચંદીગઢથી ચૂંટણી લડે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

કંગનાના નામની એટલા માટે ચર્ચા ચાલી રહી છે કારણ કે, તે ભાજપની વિરુદ્ધ બોલનારાઓને જડબાતોડ જવાબ આપે છે. એટલે જ મહારાષ્ટ્રમાં શિવસેના અને કંગના વચ્ચે લાંબી બબાલ ચાલી હતી. ત્યારથી કંગના ભાજપના વિરોધીઓ પર નિશાન સાધતી રહી છે.

ચંદીગઢ લોકસભા બધી પાર્ટીઓ માટે ખાસ્સું મહત્ત્વ ધરાવે છે, કારણ કે ચંદીગઢ એ હરિયાણા અને પંજાબ બંને પ્રદેશોની રાજધાની છે. એની સાથે જ જમ્મૂ-કાશ્મીર અને હિમાચલમાં પણ ચંદીગઢનો પ્રભાવ રહે છે. એટલા માટે ચંદીગઢ લોકસભા બેઠક પર દરેક પાર્ટીની બાજ નજર રહેતી હોય છે.

તાજેતરમાં ચંદીગઢ શહેરમાં બોલિવુડ અભિનેત્રી અને અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના એક નિવેદનની બારે ચર્ચા ચાલી રહી છે. કાર્નિવલ ફેસ્ટીવલના ઉદઘાટન દરમિયાન કિરણ ખેરે કહ્યું હતું કે, ચંદીગઢ મારું શહેર નથી. જો મારું શહેર હતે તો હું અહીં ઘણું બધું કરી શકતે. કિરણ ખેરે કહ્યું કે, ચંદીગઢના અધિકારીઓ તેમના વિકાસ કામોમાં અડચણ ઉભા કરી રહ્યા છે.

કિરણ ખેરના આ નિવેદનની ભારે ચર્ચા છે, કારણકે ચંદીગઢ શહેરના લોકોએ બે વખત કિરણ ખેરને જીતાડીને સાંસદ બનાવ્યા છે અને કિરણ ખેર ચંદીગઢને પોતાનું જ શહેર નથી માનતા.

વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં સાંસદ કિરણ ખેરે કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બસંલ ને હરાવ્યા હતા. કિરણ ખેરને ચંદીગઢની પ્રજાએ 50.64 ટકા વોટ આપ્યા હતા. જ્યારે પવન બસંલને 40.35 ટકા વોટ મળ્યા હતા. ચંદીગઢની લોકસભાની ચૂંટણીમાં ત્રીજા નંબર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરમોહન ધવન હતા જેમને 13781 વોટ મળ્યા હતા.

આનો મતલબ એ થાય છે કે ભાજપ કદાચ ચંદીગઢની બેઠક પરથી કિરણ ખેરની જગ્યાએ કંગના રનૌતને ઉતારી શકે છે. જો કે કંગનાએ અત્યારે તો એવું કહ્યું છે કે આ બધી વાતો અફવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp