પંજાબ પછી દિલ્હીમાં પણ કેજરીવાલે INDIA ગઠબંધનને ઝટકો આપ્યો, કરી આ જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી સત્તામાં આવતા અટકાવવા વિપક્ષોએ બનાવેલું INDIA ગઠબંધન વિખેરાતું નજરે પડી રહ્યું છે. સૌથી પહેલા મમતા બેનર્જિએ જાહેરાત કરી કે પશ્ચિમ બંગાળમાં TMC એકલા હાથે ચૂંટણી લડશે, એ પછી બિહારમાં નીતિશ કુમારે NDAમાં જોડાઇને ખેલ પાડી દીધો, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસની સાથે ચર્ચા વગર સીટની જાહેરાત કરી દીધી અને પંજાબ પછી દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરીને INDIA ગઠબંધનને મોટો ઝટકો આપી દીધો છે.
આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીની 7 બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડશે કે નહીં એ વિશેનું સસ્પેન્સ હતું, કારણકે બંને પાર્ટીઓ તરફથી કોઇ સત્તાવાર નિવેદનો જાહેર કરવામાં નહોતા આવ્યા. આ વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના તરનતારનમાં યોજાયેલી એક રેલીમાં કહ્યું કે, દિલ્હીના લોકોએ આ વખતે નક્કી કરી લીધું છે કે દિલ્હીની સાતેય લોકસભા બેઠક AAPને આપીશું.
આનો મતલબ તો સીધો એ જ થયો કે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે. બે દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલે એ પણ જાહેરાત કરી હતી કે પંજાબની બધી 13 લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. આ બે વાત પરથી એ વાત સ્પષ્ટ છે કે કેજરીવાલ પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા માંગતા નથી.
અરવિંદ કેજરીવાલે પંજાબની સભામાં કહ્યું કે, ભાજપને ડર છે કે કેન્દ્રમાં AAPની સરકાર બની જશે. તેમણે કહ્યું કે, ભાજપ માત્ર AAPથી જ ડરે છે. આમ આદમી પાર્ટી દેશમાં ઝડપથી આગળ વધી રહી છે, AAP હજુ 10 વર્ષનું બાળક છે, પરંતુ આ નાના બાળકે મોટી પાર્ટીના નાકમાં દમ લાવી દીધો છે.AAP તેમને ઉંઘવા દેતી નથી. અમે લોકો સપનામાં ભૂતની જેમ આવીએ છીએ. કેજરીવાલે કહ્યું કે, પંજાબ અને દિલ્હીમાં અમને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે.
કેજરીવાલે કહ્યુ કે, એક નાનકડી પાર્ટીએ 10 વર્ષમાં દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી દીધી. ગુજરાત અને ગોવામાં ધારાસભ્યો બની ગયા. જ્યાં પણ અમારી પાર્ટી ચૂંટણી લડે છે, ત્યાં ઘણા બધા મતો અમને મળે છે. એટલે ભાજપને ડર છે કે જે રીતે AAP આગળ વધે છે તે જોતા કેન્દ્રમાં સરકાર બનાવી દેશે.
કેજરીવાલે કહ્યુ કે, ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં,15 વર્ષથી મધ્ય પ્રદેશમાં સરકાર ચલાવે છે, પરંતુ એક શાળાની ઠીક કરી શકી નથી કે રાજ્યોમાં પાણી અને વીજળીની સારી સ્થિતિ બનાવી શકી નથી. તેમણે કહ્યું કે, તમારામાં હિંમત હોય તો જે કામ આમ આદમી પાર્ટી કરી રહી છે તેવા કામ કરીને બતાવો. તેમનાથી આ કામ ન થાય.
તેઓ માત્ર આમ આદમી પાર્ટીને કચડી નાખવા, નાશ કરવા,ખતમ કરી નાખવા, ધરપકડ કરવા અને બદનામ કરવા માગે છે. પણ જનતા અમારી સાથે છે તો ડર રાખવાનો કોઇ મતલબ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp