ભાજપે 11 મહિનામાં 4 રાજ્યોના મુખ્યમંત્રી બદલી નાખ્યા

PC: indianexpress.com

માણિક સાહા ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી હશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે માણિક સાહાનુ નામ નક્કી કરવામાં આવ્યું છે. શનિવારે મોડી સાંજે માણિક સાહાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રતિનિધિમંડળ સાથે જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. માણિક સાહાએ રાજ્યપાલને ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. માણિક સાહાએ આજે અગરતલામાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

મંત્રી રામ પ્રસાદ પૉલે આ પ્રસ્તાવ પર આપત્તિ દર્શાવી છે. આ દરમિયાન ધારાસભ્યો વચ્ચે બોલાબોલી થઈ ગઈ, મંત્રી પોલે ખુરશીઓ પણ તોડી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે ‘હું મરી જઈશ.’ તો બિપ્લવ દેબે આગામી મુખ્યમંત્રી માણિક સાહાને શુભેચ્છા પાઠવી. બિપ્લવ દેબે કહ્યું કે, વર્ષ 2023મા થનારી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવાની છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ થઈ ચૂકી છે.

રિપોર્ટ્સ મુજબ બિપ્લવ દેબે ત્રિપુરાના ભાજપ અધ્યક્ષ બની શકે છે. તેમણે એક દિવસ અગાઉ જ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ ચૂંટણીમાં નવા ચહેરા સાથે ઉતરવા માંગે છે. માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ હતા. મુખ્યમંત્રીની રેસમાં નાયબ મુખ્યમંત્રી જિશ્નુ દેબ વર્માનું નામ પણ ચર્ચામાં હતું. ત્રિપુરામાં ફેબ્રુઆરી 2023મા ચૂંટણી થવાની છે. બિપ્લવ દેબના રાજીનામાં બાદ ભાજપે ભૂપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડેની સુપરવાઇઝર તરીકે નિમણૂક કરી છે.

રાજીનામાં બાદ મીડિયા સામે આવેલા બિપ્લવ દેબે કહ્યું કે, પાર્ટી સર્વોપરી છે અને હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું. હાઇકમાને મારા પર ભરોસો વ્યક્ત કર્યો હતો અને હવે રાજીનામું આપવા કહ્યું છે એટલે મેં રાજીનામું આપી દીધું. આ બાબતે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે વાત કરી લીધી છે. અત્યારે ચૂંટણી માટે સમય છે. હવે હું પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરીશ. નવા મુખ્યમંત્રી વર્ષ 2023ની ચૂંટણીની તૈયારીઓના હિસાબે નક્કી કરવામાં આવશે.

પાર્ટી આ વખત લોકપ્રિય નારો ‘ચાલો પલટાઈ’ને સાઇડ કરતા વિકાસના કામો પર જનતા વચ્ચે જવાની યોજના બનાવી રહી છે. ત્રિપુરામાં પહેલી વખત વર્ષ 2018મા ભાજપ સરકાર બની હતી, ત્યારબાદ બિપ્લવ દેબને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપે છેલ્લા 11 મહિનામાં 4 રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે. ગયા વર્ષે જુલાઇ 2021મા તીરથ સિંહ રાવતને હટાવીને પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવ્યા હતા.

આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાને રાજીનામું અપાવીને બસાવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. હવે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને ડૉ. માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp