ભારત જોડો ન્યાય યાત્રા પહેલા રાહુલને ઝટકો, જાણો કોંગ્રેસ કેમ ભડકી ગઇ?

PC: hindustantimes.com

ભારત જોડો યાત્રાની સફળતા પછી કોંગ્રેસ પાર્ટીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવાનો નિર્ણય લીધો છે, જે મણિપુરથી શરૂ થશે અને મુંબઇમાં પુરી થશે. જો કે આ યાત્રા શરૂ થાય તે પહેલા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે.

મણિપુરના જે મેદાનમાંથી કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવાની છે તેને મણિપુરની સરકારે મંજૂરી આપવાની ના પાડી દીધી છે. આ યાત્રા 14 જાન્યુઆરી 2024થી શરૂ થવાની છે, મતલબ કે હવે માત્ર 4 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે મંજૂરી નહીં મળવાને કારણે યાત્રા પર સંકટ ઉભું થયું છે.મણિપુર સરકારના નિર્ણય પર કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ યાત્રા કોઇ રાજનીતિક પ્રયાસ નથી એટલે યાત્રા પર રાજકરણ કરવામાં ન આવે.

મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય મેંઘચંદ્ર ભારત જોડો ન્યાય યાત્રાની મંજૂરી લેવા માટે પાર્ટી નેતાઓની એક ટીમ સાથે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહને મળવા ગયા હતા.

મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સાથેની મુલાકાત પછી મેઘચંદ્રએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત જોડો ન્યાય યાત્રાને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર આ યાત્રાને મંજૂરી આપી શકે નહીં.

કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, મણિપુરના કોંગ્રેસ પ્રમુખ ભારત જોડો ન્યાય યાત્રાની પરવાનગી પહેલા ચીફ સેક્રેટરી પાસે માંગી હતી. તેમણે કહ્યું હતું કે 5 દિવસમાં જવાબ આપીશું. 5 દિવસ થયા છતા જવાબ ન આવ્યો તો મણિપુર કોંગ્રેસના પ્રમુખ ફરી ચીફ સેક્રેટરી પાસે ગયા તેમણે ફરી બીજા દિવસે સાંજનો વાયદો આપી દીધો હતો. હવે જ્યારે અમારા કોંગ્રેસના નેતાઓ મણિપુરના મુખ્યમંત્રી પાસે મંજૂરી મેળવવા ગયા તો તેમણે સીધો મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો.

કે સી વેણુગોપાલે કહ્યું કે, અમારે મુખ્યમંત્રીને કહેવું છે કે આ યાત્રા કોઇ રાજનીતિક નથી. રાહુલ ગાંધી રાજનીતિ કરવા માટે યાત્રા નથી કાઢી રહ્યા, તેઓ તો શાંતિનો સંદેશો આપવા માટે જઇ રહ્યા છે. અમે કોઇ તમાશો કરવા માંગતા નથી, ભલે અમને પેલેસ ગ્રાઉન્ડ પર પરવાનગી ન મળી, અમે બીજા કોઇ લોકેશન પરથી યાત્રા કાઢી લઇશું. સંભવત મણિપુરના મુખ્યંમત્રીએ બીજા લોકેશન પરથી યાત્રા કાઢવાની મંજૂરી આપી છે.

કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલે કહ્યું કે, મણિપુરથી મુંબઇ સુધીની 6500 કિ.મીની આ ઐતિહાસિક યાત્રામાં યુવાનો, મહિલાઓ, ખેડુતો, ગરીબો માટે ન્યાય માંગવામાં આવશે.

રાહુલ ગાંધીના નેજા હેઠળ 14 જાન્યુઆરીશી શરૂ થનારી ભારત જોડો ન્યાય યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાના રૂટમાં અરૂણાચલ પ્રદેશ પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp