રાજસ્થાનમાં અશોક ગેહલોતનો ખેલ માયાવતી અને હનુમાન બેનિવાલે કેવી રીતે બગાડ્યો?

PC: businesstoday.in

રાજસ્થાનમાં અશોક ગેહલોતની મહેનત પર માયાવતી અને હનુમાન બેનીવાલે પાણી ફેરવી દીધું છે. આ નાની પાર્ટીઓએ રાજસ્થાનમાં અશોક ગેહલોતનો આખો ખેલ બગાડી નાંખ્યો હતો. જો તમે વોટ શેરના આંકડા પર નજર નાંખશો તો ખબર પડશે કે કોંગ્રેસને માયાવતી અને બેનીવાલે કેવી રીતે નુકશાન પહોંચાડ્યું.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અશોક ગેહલોતે રાજ્યમાં સરકાર ગુમાવી દીધી છે. આ ચૂંટણીમાં સ્વિંગ મતદારો ચર્ચામાં રહ્યા છે.

આ મતદારોએ જ રાજસ્થાનની સત્તામાં મોટી ઉથલપાથલ કરી છે અને પરંપરા જાળવી રાખી છે. જો આંકડા પર નજર કરીએ તો રાજસ્થાનમાં કોંગ્રેસને આ વખતે 0.23 ટકા વધુ વોટ મળ્યા છે. પરંતુ, 30 બેઠકો ગુમાવી પડી છે.

જ્યારે ભાજપના વોટ શેરમાં જબરદસ્ત 2.92 ટકાનો સુધારો થયો છે અને તેને સીધી રીતે 42 બેઠકોનો ફાયદો થયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરનો તફાવત 2.16 ટકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સાથે અસલી ખેલ માયાવતીની BSP અને હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLTP) એ કર્યો છે.

આ ચૂંટણીમાં BSPને 1.82 ટકા વોટ અને RLTPને 2.39 ટકા વોટ મળ્યા હતા. એટલે કે જો બંને પક્ષોની મત ટકાવારી ઉમેરવામાં આવે તો તે 4.21 ટકા થાય છે. જ્યારે કોંગ્રેસને ભાજપ કરતા 2.16 ટકા ઓછા વોટ મળ્યા છે. એટલે કે RLTP અને BSPની વોટિંગ ટકાવારીએ કોંગ્રેસના તમામ સમીકરણો બગાડી નાંખ્યા હતા.

રાજસ્થાનમાં કુલ 200 સીટો છે. એક ઉમેદવારના નિધન પછી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક દિવસ પહેલા જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. જ્યારે અન્ય નાના પક્ષો જેમ કે અપક્ષો અને બળવાખોરોને કુલ માત્ર 15 બેઠકો મળી શકી હતી. એટલે કે ત્રીજો મોરચો પણ મજબૂત રીતે ઉભરી શક્યો નથી. રાજસ્થાનની જનતા મુખ્ય હરીફાઈ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ માનવામાં આવી.

જાણકારોનું કહેવું છે કે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી. ભાજપે 73 બેઠકો જીતી હતી. માયાવતીની પાર્ટી બસપાના છ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. જો કે ચૂંટણી બાદ આ તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. એ જ રીતે, 3 આરએલપી ધારાસભ્યો, 13 અપક્ષ અને 5 અન્ય ધારાસભ્યોએ ચૂંટણી જીતી હતી. એટલે કે આવા ધારાસભ્યોની કુલ સંખ્યા 27 હતી. પરંતુ, આ વખતે આ સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે.

જાણકારો એમ પણ કહે છે કે રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ સામે એન્ટી ઇન્કમ્બન્સીનું વાતાવરણ હતું. આમ છતાં પાર્ટીએ તેમને ટિકિટ આપી અને મેદાનમાં ઉતાર્યા. તેની અસર પરિણામોમાં પણ જોવા મળી હતી. કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તેમાંથી 17 હાર્યા. 98 ધારાસભ્યોને ફરી રીપીટ કરવામાં આવ્યા હતા પરંતુ, માત્ર 66 જ ચૂંટણી જીતી શક્યા હતા.

બળવાખોરોના પ્રભાવની વાત કરીએ તો કોંગ્રેસમાંથી એક બળવાખોર અને સાત ભાજપમાંથી જીત્યા હતા. અન્યો વિશે વાત કરીએ તો, ભારત આદિવાસી પાર્ટીના ત્રણ, BSPના બે, RLTP એક અને RLDના એક સહિત 15 ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. RLTP ભલે માત્ર એક સીટ જીતી શકી હોય, પરંતુ તેની મતદાન ટકાવારી અસરકારક રહી છે.

RLTPના હનુમાન બેનીવાલે નાગૌર જિલ્લાની પ્રખ્યાત ખિંવસાર ખિન વિધાનસભા બેઠક જીતી લીધી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેવંતરામ ડાંગાને બે હજાર મતોની સરસાઈથી હરાવ્યા છે. કોંગ્રેસ તરફથી તેજપાલ મિર્ધાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. બસપાએ સાદુલપુર અને બારીમાં ચૂંટણી જીતી છે. ભારત આદિવાસી પાર્ટીએ ધારિયાવાડ, આસપુર અને ચોર્યાસી બેઠકો કબજે કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp